અફઝલની વરસી મનાવવાની મંજૂરી નહીં આપતાં કન્હૈયાએ સખત વિરોધ કર્યો હતો

નવી દિલ્હી: દેશદ્રોહના આરોપનો સામનો કરી રહેલ કન્હૈયા કુમાર એક વધુ વિવાદમાં ફસાઇ ગયો છે. જેએનયુ કેસની તપાસમાં રજિસ્ટ્રાર ભૂપીન્દર ઝુત્શીએ લખેલા એક પત્રમાં ચોંકાવનારો પર્દાફાશ થયો છે. રજિસ્ટ્રારે પોતાના પત્રમાં જણાવ્યું છે કે કન્હૈયાએ અફઝલગુરુની ફાંસીની વરસી પર પ્રોગ્રામને આપવામાં આવેલી મંજૂરી રદ કરવામાં આવતાં નારાજગી દર્શાવી હતી. કન્હૈયાએ માત્ર આ નિર્ણયનો વિરોધ જ નહોતો કર્યો, પરંતુ સવાલો પણ પૂછયા હતા.

યુનિવર્સિટી વહીવટીતંત્રના ઇનકાર થતાં અફઝલ ગુરુની ફાંસીની વરસી પર કાર્યક્રમ થયો હતો અને તેમાં દેશને તોડવાની નારાબાજી પણ થઇ હતી. બીજી બાજુ યુનિવર્સિટીની આંતરિક તપાસ સમિતિનો રિપોર્ટ પૂર્ણ કરવા માટે આપવામાં આવેલી સમયમર્યાદા એક સપ્તાહ લંબાવી દીધી છે. નવી સમય મર્યાદા ૧૧ માર્ચ છે. જ્યારે આ અગાઉ ત્રીજી માર્ચ નક્કી થઇ હતી.

એક ટીવી ચેનલ પાસે રજિસ્ટ્રારના પત્રની એક્સકલુઝિવ કોપી પણ ઉપલબ્ધ છે. તેમાં રજિસ્ટ્રારે જેએનયુની આંતરિક તપાસ સમિતિને નવ ફેબ્રુઆરીની ઘટનાની સીલસીલાબંધ વિગતો આપી છે. આ પત્ર તા.૩ માર્ચના રોજ લખવામાં આવ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કન્હૈયા કુમારે રજિસ્ટ્રારને ફોન કરીને કાર્યક્રમની મંજૂરી રદ કરવા સામે ‌વાંધો ઉઠાવ્યો હતો.

રજિસ્ટ્રાર ભૂપીન્દર ઝુત્શીએ કુલપતિ એમ.જગદીશકુમાર દ્વારા ગઠિત ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ સમક્ષ નિવેદન આપ્યું હતું. ઝુત્શીએ સમિતિને જણાવ્યું હતું કે મેં મારા કાર્યાલયમાં નવ ફેબ્રુઆરીએ બપોરે ૩-૦૦ વાગ્યે જેએનયુ વિદ્યાર્થી સંઘની બેઠક બોલાવી હતી કે જેથી વિકલાંગ વિદ્યાર્થીઓ માટે નવી બસના રૂટ પર ચર્ચા થઇ શકે. આ બેઠકમાં કન્હૈયા કુમાર અને જેએનયુએસયુના મહામંત્રી અમા નાગા સૌથી પહેલા પહોંચ્યા હતા.

દસ મિનિટ બાદ એબીવીપીના સભ્ય અને જેએનએસયુના સંયુકત મંત્રી સૌરભ શર્મા આવ્યા હતા. તેમણે મને બસ રૂટ પર ચર્ચા બાદ અફઝલ ગુરુની ન્યાયિક હત્યા પર એક સાંસ્કૃતિક કાર્યક્રમની પત્રિકા બતાવી હતી અને જણાવ્યું હતું કે કેટલાક વિદ્યાર્થીઓ આજે સાંજે પ-૦૦ વાગ્યે સાબરમતી ઢાબામાં એક કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. રજિસ્ટ્રાર ભૂપીન્દર ઝુત્શીએ જણાવ્યું કે યુનિવર્સિટીએ જ્યારે આ કાર્યક્રમને મંજૂરી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો ત્યારે કન્હૈયાએ તેનો વિરોધ કર્યો હતો.

You might also like