હવે આ ‘ક્વિન’ બનશે ‘નેતા’, ભાજપ તરફથી ચૂંટણી લડશે?

ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’ અને ‘ક્વિન’ જેવી ફિલ્મમાં પોતાનો દમદાર અને શાનદાર અભિનય બતાવી દર્શકોને મોહિત કરનાર અભિનેત્રી કંગના રાણાવત હવે રાજકારણમાં પણ ઝંપલાવવા માંગે છે. જો કે કંગના ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ છોડવા માગતી નથી, પણ રાજકારણમાં ચોક્કસથી જવા માગે છે.

કંગના રાણાવત હાલમાં ફિલ્મ ‘મણિકર્ણિકા’ નું શુટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં કંગના ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો રોલ કરી રહી છે. આ ફિલ્મ માટે પણ કંગના ઉત્સુક છે, જેમાં તે એક ભારતીય નીડર રાણીના રોલમાં જોવા મળશે અને હવે તે રાજકારણમાં પણ પોતાનો રોલ ભજવવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જો કે આ મામલે કંગનાએ કોઈ નિવેદન આપ્યું નથી. જાણવા મળી રહ્યું છે કે, કંગના રાણાવતે અનેક વાર વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી છે. કંગનાના અભિનય અને સમજણથી વડાપ્રધાન પણ પ્રભાવિત થયા હોય તેવું પણ જાણવા મળી રહ્યું છે.

બે વર્ષ પહેલા સ્વચ્છતા અભિયાન માટે એક વીડિયો બનાવવામાં આવ્યો હતો, જેમાં કંગનાએ માતા લક્ષ્‍મી બનીને સાફ-સફાઈ કરી લોકોને જાગૃતતાનો સંદેશો આપ્યો હતો. કંગના પણ મોદી સરકારની નીતિઓથી પ્રભાવિત છે. સ્વચ્છતાના વીડિયોને બનાવ્યા બાદ કંગનાએ ઘણી વખત વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી હતી. બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે કંગના પોતાના વતન રાજ્ય હિમાચલ પ્રદેશમાંથી ચૂંટણી લડવા માગે છે.

કંગના હિમાચલપ્રદેશના મંડીની રહેવાસી છે અને તે પોતાના ગામના વિકાસ માટે મંડીની સીટ પરથી જ ચૂંટણી લડવા માગે છે, તેવું પણ સંભળાઈ રહ્યું છે. કંગના મોદી સરકારથી પ્રભાવિત છે તેથી ભાજપમાં જોડાઈ રાજકારણમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે.

You might also like