સંઘર્ષ એટલે જીવનના હેપી ડેઃ કંગના

હિમાચલ પ્રદેશના નાનકડા ગામમાંથી આવીને બોલિવૂડમાં ટોપ ટેનની યાદીમાં પહોંચી જનાર કંગના રાણાવતનું નામ હવે એક પણ દેશવાસીની જાણ બહાર નહીં હોય. તેની પ્રસિદ્ધિ સમુદ્ર પાર પણ ફેલાયેલી છે. સ્મોલ ટાઉન ગર્લ વિશે વાત કરતાં કંગના કહે છે કે આવી છોકરીઓ બોડીગાર્ડ સોસાયટીમાંથી આવે છે. એવા સમાજમાંથી કે જ્યાં તેમને હંમેશાં પ્રોટેક્શન આપવામાં આવે છે. આ પ્રોટેક્શનનો અર્થ એ નથી કે તમે ખુદને ગ્રો કરો, પરંતુ તેનો અર્થ એ છે કે તમે સમાજના રિવાજ વિરુદ્ધ ન જઇ શકો. વિરુદ્ધ જવાનો અર્થ છે કે તમારા કોઇ સાહસિક પગલાના કારણે તમારો પરિવાર શરમમાં મુકાઇ શકે છે. આવા જ માહોલમાં વિદ્રોહના સ્વર ઊઠે છે. સારી વાત એ છે કે આ વિદ્રોહ પોઝિટિવ રૂપમાં સામે આવે છે અને આ જ કારણે નાનકડા ગામ કે શહેરમાંથી આવતી છોકરીઓ ક્યારેય હાર માનતી નથી.

શરૂઆતના સમયમાં ખૂબ જ સંઘર્ષ કરી ચૂકેલી કંગના રાણાવત કહે છે કે તે સંઘર્ષકાળને હું જીવનના હેપી ડે માનું છું, જે તમારી ખુદની ઓળખ કરાવે છે. જો તમે ખુદ પ્રત્યે સાચા હોય તો સંઘર્ષના દિવસોની મુશ્કેલીઓ તમને હારવા દેતી નથી, પરંતુ વધુ મજબૂત બનાવે છે. દરેક વ્યક્તિ આ સમયમાંથી પસાર થતી હોય છે. જે વ્યક્તિનો સંઘર્ષ જેટલો વધુ હશે તેની અંદરની શક્તિઓ પણ એટલી જ વધુ મજબૂત હશે. જો તમે વિજેતા હશો તો જિંદગીની સચ્ચાઇને સમજી શકશો. અહીં હાર-જીત ચાલતી જ રહે છે. એ બધી બાબતોમાં પડવું ન જોઇએ.•

You might also like