શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને સમાધિ અપાઈઃ એક લાખ લોકોએ દર્શન કર્યાં

કાંચીપુરમ, ગુરુવાર
કામકોટી પીઠના પ્રમુખ શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીને આજે સમાધિ આપવામાં આવી હતી. તેમના અંતિમ સંસ્કારમાં તામિલનાડુના મુખ્યપ્રધાન ઈ પલાનીસ્વામી, વડા પ્રધાન મોદી વતી કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગૌડા સહિત દક્ષિણ ભારતના અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.

ગઈ કાલે સવારે જયેન્દ્ર સરસ્વતીનું ૮૨ વર્ષની વયે નિધન થયું હતું. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું. શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીના નિધન બાદ લગભગ એક લાખ લોકોએ તેમના પાર્થિવદેહનાં દર્શન કર્યાં હતાં. તેમને તેમના પૂર્વવર્તી ચંદ્રશેખરેન્દ્ર સરસ્વતીના સમાધિ સ્થળ નજીક જ સમાધિ આપવામાં આ‍વી હતી.

તેમની સમા‌િધવિધિ સવારે સાત વાગ્યે શરૂ થઈ હતી, જેમાં ચાર વેદના મંત્ર સાથે વિશેષ પૂજા કરવામાં ‍આવી હતી. તેમના પાર્થિવદેહને બેઠેલી હાલતમાં સાત ફૂટ ઊંડા ખાડામાં સમાધિ આપવામાં આવી હતી અને તેના પર શાલિગ્રામ રાખવામાં આવ્યા હતા તેમજ ખાડામાં જડીબુટ્ટી, મીઠું અને ચંદનનાં લાકડાં ગોઠવવામાં આવ્યાં હતાં.

૧૮ જુલાઈ, ૧૯૩૫ના રોજ જન્મેલા જયેન્દ્ર સરસ્વતી કાંચી મઠના ૬૯મા શંકરાચાર્ય હતા. તેઓ ૧૯૫૪માં શંકરાચાર્ય બન્યા હતા. કાંચી મઠ દ્વારા અનેક સ્કૂલ-આંખની હોસ્પિટલ ચાલે છે. આ મઠની સ્થાપના ખુદ આદિ શંકરાચાર્યએ કરી હતી. જયેન્દ્ર સરસ્વતીને ૨૨ માર્ચ, ૧૯૫૪ના રોજ સરસ્વતી સ્વામિગલના ઉત્તરાધિકારી જાહેર કરવામાં આવ્યા હતા.

૨૦૦૪માં કાંચીપુરમ્ મંદિરના મેનેજરની હત્યાના મામલામાં જયેન્દ્ર સરસ્વતીનું નામ બહાર આવ્યું હતું, પરંતુ ૨૦૧૩માં તેમને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા. તેમને લગભગ બે માસ જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખ‍વામાં આવ્યા હતા.

You might also like