સર્વ પાપનો ક્ષય કરનાર કમલા એકાદશી, જાણો…એકાદશીના વ્રતનો મહિમા

કમલા અને પુરુષોત્તમ તો જગતનાં માતાપિતા છે. વિષ્ણુએ પૃથ્વી ઉપર દશ અવતાર લીધા અને એમની સાથે લક્ષ્મીએ પણ દશ અવતાર ધારણ કરીને વિષ્ણુને સાથ આપ્યો છે. કમલા-પુરુષોત્તમનો દાંપત્ય સંબંધ તો જન્મ-જન્માંતરોનો છે. ભગવાન પુરુષોત્તમ વિષ્ણુના ભગવતી લક્ષ્મીજીનું વૈદિક નામ ‘શ્રી’ છે.

શ્રી એટલે સૌંદર્ય અને સમૃદ્ધિની દેવી, ઋગ્વેદનું ‘શ્રીસૂક્ત’ ખૂબ પ્રસિદ્ધ છે. એના પાઠનો ભારે મહિમા છે. એમાં લક્ષ્મીને બ્રહ્મસ્વરૂપિણી, સૌંદર્યવતી, સુવર્ણમયી, કમલવાસિની અને ભક્તોની મનોકામના પૂર્ણ કરનારી કહી છે. રવિવારે કમલા એકાદશી છે.

વિષ્ણુ પત્ની લક્ષ્મીનું બીજું જાણીતું નામ ‘કમલા’ છે. કમલા એટલે કમળ ઉપર બિરાજમાન. ‘વિષ્ણુપુરાણ’માં કથા છે કે દેવ દાનવોએ સમુદ્રમંથન કર્યું, તો એમાંથી ખીલેલા કમળ ઉપર બિરાજમાન શ્રીલક્ષ્મી દેવી એક હાથમાં કુંભ અને બીજા હાથમાં કમળપુષ્પ સાથે પ્રગટ થયાં.

તેમના જન્મ સમયે મહર્ષિ ગણ સહર્ષ વૈદિક શ્રીસૂક્ત દ્વારા તેમની સ્તુતિ કરવા લાગ્યા. ગંધર્વો ગાવા લાગ્યા, અપ્સરાઓએ નૃત્ય આરંભ્યું.
દિગ્ગજોએ સુવર્ણ-કલશથી તેમને સ્નાન કરાવ્યું.
વિશ્વકર્માએ તેમને વિવિધ આભૂષણો પહેરાવ્યાં. ત્યારબાદ શ્રીલક્ષ્મીજી બધા દેવોની હાજરીમાં જ શ્રીવિષ્ણુ – પુરુષોત્તમના વક્ષ:સ્થળ ઉપર બિરાજમાન થયાં.

એકાદશીના વ્રતનો મહિમાઃ-
પક્ષીઓમાં જેમ ગરુડ શ્રેષ્ઠ છે, તેમ માસોમાં પુરુષોત્તમ માસ ઉત્તમ છે. પુરુષોત્તમ માસની એકાદશીએ, કમલા લક્ષ્મીનો મહિમા ગવાય છે, તેથી આ ‘કમલા એકાદશી’ કે ‘પદ્મિની એકાદશી’ કહેવાય છે. વ્રત, સ્નાન, ઉપવાસ, પૂજન અને નામસ્મરણ તો દેહશુદ્ધિ, મનશુદ્ધિ, મનશાંતિ અને ઇન્દ્રિય સંયમ કેળવવાના ઉપાયો છે. તેથી આપણા ધર્મશાસ્ત્રકારોએ એકાદશીએ વ્રત નિયમનો અને પરમાત્મ નામસ્મરણનો મહિમા ગાયો છે.

મહર્ષિ પતંજલિએ પણ મનને સંયમિત કરવા અને મનની શુદ્ધિ માટે યોગનાં આઠ પગથિયાં પૈકી પહેલાં બે પગથિયાં ‘યમ’ (સંયમ) અને ‘નિયમ’ (સદાચારના નિયમો)ના બતાવ્યા છે. દુરાચારમાંથી સદાચારના માર્ગે વળવામાં વ્રત ઉપવાસ વગેરેના નીતિ નિયમો ખૂબ ઉપકારક બને છે. ઘરમાંથી કાઢી મુકાયેલી દુરાચારી દુર્ગુણી પુત્રો પુરુષોત્તમ એકાદશીનો વ્રત સ્નાન ઉપવાસના માર્ગે વળીને સદાચારી સદ્ગુણી બને છે.

બ્રહ્માંડપુરાણની કથા પ્રમાણે ઉજ્જૈન નગરીમાં શિવશર્મા નામના બ્રાહ્મણે પોતાના વંઠી ગયેલા દુરાચારી પુત્રને ઘરમાંથી કાઢી મૂક્યો. ભૂખ્યો તરસ્યો તે પ્રયાગતીર્થમાં આવી પહોંચ્યો. ત્યાં ત્રિવેણીમાં સ્નાન કર્યું અને એક ઋષિના આશ્રમમાં આકસ્મિક રીતે તેના કાને ભોગ અને મોક્ષ આપનારી પુરુષોત્તમ માસની કથા સંભળાઇ.

કથાના પ્રભાવથી તેણે કમલા એકાદશીનું વ્રત કર્યું. વ્રતથી દેવી લક્ષ્મીજી પ્રસન્ન થયાં ને તેને લક્ષ્મીનો ભંડાર આપ્યો. પિતાએ એને વધાવી લીધો.પદ્મપુરાણમાં કમલા એકાદશીને ‘મોહની’ એકાદશી કહી છે. એની કથા પ્રમાણે ધનલાભ નામના વૈશ્યે પોતાના દુર્ગુણી ધૃષ્ટબુદ્ધિ નામના પુત્રને ઘેરથી તગડી મૂક્યો.

રખડતો ભટકતો તે કૌડિન્ય ઋષિના આશ્રમે જઇ ચડ્યો. પુરુષોત્તમ માસની એકાદશીનો તે દિવસ હતો. સ્નાન કરી ચૂકેલા કૌડિન્ય ઋષિનાં ભીનાં કપડાનાં જળબિંદુઓ નસીબજોગે પેલા ધૃષ્ટબુદ્ધિ ઉપર પડ્યાં. જળબિંદુઓના સ્પર્શથી તેનાં સર્વ પાપ ધોવાઇ ગયાં.

ઋષિના કહેવાથી તેણે એકાદશીનું વ્રત કર્યું. પાપરહિત બનેલો તે ગરુડ ઉપર બેસી શ્રીવિષ્ણુ-પુરુષોત્તમના વૈકુંઠધામમાં પહોંચી ગયો! એવી પણ કથા છે કે નિ:સંતાન રાણી પદ્મિનીએ માતા અનસૂયાનાં સૂચનથી ભગવાન પુરુષોત્તમનું પૂજન કર્યું અને તેનાથી રાણીને કાર્તવીર્ય નામના ઉત્તમ પુત્રની પ્રાપ્તિ થઇ.

શ્રીકૃષ્ણ યુધિષ્ઠિરને કમલા એકાદશીનું વ્રત સંભળાવે છે. આ દિવસે બ્રહ્મમુહૂર્તે ઊઠીને ભગવાન પુરુષોત્તમનું નામ સ્મરણ કરી સ્નાન કરવું. રાધા કૃષ્ણનું કે લક્ષ્મી નારાયણનું પૂજન કરવું, નિયમ ગ્રહણ કરવા, જપ કરવા, ઉપવાસ કરવો, શ્રીસૂક્ત જેવા લક્ષ્મીસ્તોત્રોનો પાઠ કરવો તેમજ ભાગવતાદિ કથાઓનું શ્રવણ વાંચન કરવું.

જીવનને સંસ્કારવાના આ બધા ઉપાયો છે. આપણો ધર્મ તો જીવનનાં મૂલ્યો સાથે વણાઇ ગયો છે. ધર્મ સાથે વણાયેલી ક્રિયાઓનું રહસ્ય સમજીને, તે ક્રિયા કરાય તો તેનું ઉત્તમ ફળ મળે છે. •

You might also like