કમલનાથ રાજ્યપાલને મળ્યા: 17મીએ શપથવિધિની શક્યતા

ભોપાલ: મધ્યપ્રદેશની જનતાને તેમના નવા મુખ્યપ્રધાન મળી ગયા છે. ગુરુવારે મોડી રાતે ભોપાલમાં ધારાસભ્યોની બેઠક બાદ મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથને તેમના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આમ તો કમલનાથના નામ પર આખરી મહોર ગઈ કાલે બપોરે દિલ્હીમાં જ લાગી ગઈ હતી, પરંતુ ધારાસભ્યોના દળની બેઠક બાદ તેની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.

દિલ્હીમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી કમલનાથ અને યુવા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાને મળ્યા હતા. છિંદવાડાથી નવ વખત સાંસદ રહી ચૂકેલા ૭ર વર્ષીય કમલનાથ મધ્યપ્રદેશના ૧૮મા મુખ્યપ્રધાન બનશે.

કમલનાથે કાલે તેમના નામની જાહેરાત થયા બાદ આજે શુક્રવારે સવારે ૧૦.૩૦ કલાકે રાજ્યપાલ આનંદીબહેન પટેલને મળવાનો સમય માગ્યો હતો. રાજ્યપાલ સાથેની બેઠક બાદ જ શપથગ્રહણ સમારોહનાે સમય અને તારીખ અધિકૃત રીતે જાહેર કરવામાં આવશે, પરંતુ કોંગ્રેસનાં સૂત્રોનો દાવો છે કે ૧૭ ડિસેમ્બર-સોમવારના રોજ કમલનાથ સીએમપદના શપથ લે તેવી શક્યતા છે.

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં આ વર્ષે મે મહિનામાં રાહુલ ગાંધીએ કમલનાથને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ બનાવ્યા હતા. કાનપુરમાં જન્મેલા કમલનાથ ગાંધી પરિવારની ત્રણ પેઢી સાથે કામ કરી ચૂક્યા છે અને તેમના સૌથી વિશ્વાસપાત્ર ગણાય છે. તેઓ ઈન્દિરા ગાંધીના મોટા પુત્ર સંજય ગાંધીના સ્કૂલ સમયના મિત્ર હતા.

૧૯૮૦માં પહેલી વખત છિંદવાડાથી સાંસદ બન્યા બાદ રાજકારણમાં સતત ટોચ પર રહ્યા છે. ૧૯૯૩માં પણ કમલનાથ સીએમપદના સૌથી પ્રબળ દાવેદાર ગણાતા હતા, પરંતુ એ સમયે અર્જુનસિંહે દિગ્વિજયસિંહનું નામ આગળ કરીને કમલનાથનું સપનું રોળી નાખ્યું હતું. આમ રપ વર્ષ પહેલાં કમલનાથ ભલે મુખ્યપ્રધાન બનવાનો મોકો ચૂક્યા હોય પણ હવે કિસ્મતે તેમને ફરી સત્તાના કેન્દ્રસ્થાને પહોંચાડી દીધા છે.

You might also like