છ દાયકા જૂનાં કાલુપુર શાક માર્કેટને ૨૦ કરોડનાં ખર્ચે બનાવાશે આધુનિક

અમદાવાદઃ સામાન્ય રીતે ઘર, ઓફિસ, બસ, ટ્રેન કે કોઇ પણ સ્થળે જ્યારે પણ શોરબકોરવાળો માહોલ કોઇક કારણસર થાય ત્યારે તે વખતે જાણે કે અહીંયાં શાકમાર્કેટ ભરાયું હોય તેવો ઉલ્લેખ જાણે-અજાણ્યે લોકોમાં થઇ જતો હોય છે, કેમ કે કોઇ પણ શહેરના શાકમાર્કેટમાં ઘોંઘાટ તો સ્વાભાવિક બાબત બની છે. શાકમાર્કેટની ઓળખ જ ઘોંઘાટ, ગંદકી, રખડતાં ઢોર થઇ છે.

જો કે સ્માર્ટ સિટી અમદાવાદમાં આગામી દિવસોમાં શાકમાર્કેટનું ચિત્ર પૂર્ણપણે બદલાઇને સ્વચ્છ, સુવિધાપૂર્ણ અને શાંતિનું વાતાવરણ ધરાવતું હાઇજેનિક એવું આધુનિક શાકમાર્કેટ થવાનું છે. આની શરૂઆત દાયકાઓ જૂના કાલુપુર શાકમાર્કેટથી થવાની હોઇ ખાસ કરીને ગૃહિણીઓને નાક દબાવીને કાલોપુર શાકમાર્કેટમાં ખરીદવા ચાલવું નહીં પડે.

રાજ્ય સરકાર દ્વારા આજથી લગભગ છ દાયકા પહેલાં એટલે કે વર્ષ ૧૯૬૦માં કોટ વિસ્તારના નાગરિકો માટે કાલુપુર શાકમાર્કેટ બનાવાયું હતું. કાલુપુર શાકમાર્કેટની વર્ષોજૂની પ્રતિષ્ઠા હોઇ શહેરભરમાંથી લોકો શાક ખરીદવા રોજેરોજ ઊમટે છે, જોકે આ શાકમાર્કેટમાં અન્ય શાકમાર્કેટની જેમ વેપારીઓ કે ગ્રાહકોને રોડ પર વાહન પાર્ક કરવા પડતાં હોઇ ટ્રાફિક જામની સમસ્યા પણ હંમેશાં હોય છે, તેમાં ગંદકી, રખડતાં ઢોરનો ત્રાસ પણ પરેશાની વધારે છે.

જો કે હવે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાના આદેશના પગલે મધ્ય ઝોનના સત્તાવાળાઓએ કાલુપુર શાકમાર્કેટની કાયાપલટ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. કાલુપુર શાકમાર્કેટમાં તંત્ર દ્વારા ‘ટોટલ સ્ટેશન સર્વે’ હેઠળ અત્યાર સુધીમાં વિવિધ પુરાવાના આધારે ૧૦૮ થડાને માન્ય કરાયા છે, જોકે કાલુપુર શાકમાર્કેટમાં પણ ગેરકાયદે થડાનું દૂષણ ફૂલ્યુંફાલ્યું છે. જે પ્રકારે હાલમાં તંત્રના સર્વેની કામગીરી ચાલી રહી છે તેને જોતાં વધુ ૧પ૦ થડા મળીને અંદાજે રપ૮ થડાને સત્તાધીશો માન્ય ઠરાવે તેવી શકયતા છે.

અન્ય ખાનગી કોર્પોરેટ કંપનીનાં શાકમાર્કેટની જેમ કાલુપુર શાકમાર્કેટને પણ એસીયુકત બનાવાની વિચારણા એક સમયે ચાલતી હતી, પરંતુુ હવે તેને હાઇજેનિક બનાવવાનું નક્કી કરાયું છે, જે હેઠળ શાકમાર્કેટમાં ખુલ્લી હવાની અવરજવરથી વાતાવરણ તાજગીભર્યું રહે, ચોખ્ખાઇ રહે, પ્લાનિંગ સાથેના થડા બને, આંતરિક રસ્તા ડીબી પેવર વર્કથી અપટુડેટ બને, વેપારીઓ અને ગ્રાહકો માટે ચાર ટોઇલેટ બ્લોકની સુવિધા ઉપલબ્ધ થાય, બેઝમેન્ટમાં પૂરતી પાર્કિંગની સગવડ મળે તેવી બાબતોનો સમાવેશ કરતી ડિઝાઇન બનાવાશે.

હાલની કાલુપુર શાકમાર્કેટની જગ્યા આશરે ૮૧૦૦ ચોરસ મીટર હોઇ સત્તાવાળાઓએ પાસેની તરુણ મિલ કમ્પાઉન્ડમાં આવેલી મ્યુનિસિપલ માલિકીની એલ આકારની આશરે ર૦૦૦ ચોરસ મીટરની જગ્યા મળીને કુલ ૧૦,૧૦૦ ચોરસ મીટર જગ્યામાં એલ આકારનું બેઝમેન્ટ વત્તા ગ્રાઉન્ડ ફલોક વત્તા પ્રથમ માળનું ભવ્ય બિલ્ડિંગ બનાવાશે. અત્યારે રોડ પર અવ્યવસ્થિત રીતે વાહન પાર્ક કરાય છે, પરંતુ આ બિલ્ડિંગના બેઝમેન્ટમાં રપ૦ ટુ વ્હિલર અને ૩૦ ફોર વ્હિલરની પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાશે.

મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ કોર્પોરેશનના મધ્ય ઝોન સહિતના પશ્ચિમ ઝોન, ઉત્તર પશ્ચિમ ઝોન, દ‌િક્ષણ પશ્ચિમ ઝોન સહિત તમામ સાત ઝોનમાં ઝોનદીઠ એક આધુનિક શાકમાર્કેટ બનાવવાની તંત્રને સૂચના આપી છે, જેના કારણે જે તે ઝોનમાં હયાત શાકમાર્કેટનું કાલુપુર શાકમાર્કેટની જેમ અપગ્રેડેશન અથવા તો પ્લોટ શોધીને તે સ્થળે નવું શાકમાર્કેટ બનાવવાની તંત્રમાં દોડધામ મચી છે.

દરમ્યાન આધુનિક કાલુપુર શાકમાર્કેટ અંગે મધ્ય ઝોનના એડિશનલ સિટી ઇજનેર અમિત પટેલને પૂછતાં તેઓ કહે છે કે તંત્ર દ્વારા કાલુપુર શાકમાર્કેટનાં આધુનિક રંગરૂપ પાછળ આશરે રૂ.ર૦થી રર કરોડ ખર્ચાશે. આ શાકમાર્કેટને દોઢ વર્ષમાં તૈયાર કરાશે.

You might also like