કાલપુર, શાહીબાગમાં ટ્રાફિક જામથી તોબા!!

અમદાવાદ: શહેરમાં ટ્રાફિકની સ્થિતિ દિન પ્રતિદિન વકરી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં પિક અવર્સમાં ચક્કાજામ સર્જાય છે. શહેરમાં બપોરથી સાંજના સમયમાં કાલુપુર ચાર રસ્તા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ વધી જાય છે. શહેરીજનો ટ્રાફિક પોલીસને ફરિયાદ કરે છે ત્યારે એવો જવાબ મળે છે કે ટ્રાફિકની સમસ્યા તો રહેવાની જ.

અમદાવાદમાં પ્રાથમિક સુવિધાઓ સાથે ટ્રાફિકની સમસ્યા વિકરાળ બની રહી છે. વધતાં જતાં વાહનો ,રોડ પર કરાતાં પાર્કિંગ, ટ્રાફિક નિયમના ઉલંઘનના કારણે ટ્રાફિક જામ જોવા મળે છે. જેને ગંભીરતાથી લઇને એએમસી અને ટ્રાફિક વિભાગની એક મિટિંગ પણ યોજાઈ હતી. પરંતુ આ મિટિંગ બાદ પણ કોઈ ખાસ ટ્રાફિકની સમસ્યાને લઈને પગલાં લેવામાં નથી આવ્યાં. ટ્રાફિક હલ કરવા માટે ટ્રાફિક પોલીસ તો છે પરંતુ પોલીસ માત્ર તેમની ડયૂટીનો ટાઈમ પૂરો કરવા માટે આવતી હોય તેવું લાગે છે.

ટ્રાફિક પોલીસની પ્રથમ કામગીરી ટ્રાફિક નિયમન કરવાની છે પરંતુ શહેરની ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમન પછી કરે છે પહેલાં ટ્રાફિકના નિયમનો ઉલ્લંઘન કરતા લોકો પાસે પૈસા ઉઘરાવવામાં કે તોડ કરવામાં વ્યસ્ત હોય છે. શહેરમાં આવેલા કાલુપુર ચાર રસ્તા પાસે બપોરથી સાંજના સમય દરરોજ ટ્રાફિક જામ થાય છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી એચ. બી. કાપડિયા સ્કૂલ ખાતે બપોરના સમયે તેમજ સાંજના સમયે ખૂબ જ ટ્રાફિક રહે છે. સાંજે તો નમસ્તે સર્કલથી લઇની દિલ્હી દરવાજા સુધી ટ્રાફિકની સમસ્યા નિયમિત રહે છે. સ્કૂલ છૂટે ત્યારે ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી જાય છે અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આશરે ૩૦થી ૪૦ મિનિટનો સમય લાગતો હોય છે.

આ અંગે ટ્રાફિક એડિશનલ સીપી હરિકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે અત્યારે ટ્રાફિક વિભાગમાં મહેકમ ઓછો છે. થોડા સમયમાં નવા હોમગાર્ડ તેમજ ટીઆરબીની ભરતી કરવામાં આવશે. જેથી તેમને દરેક પોઈન્ટ પર મૂકી ટ્રાફિકની સમસ્યા હલ કરાશે.

“હું રોજ એસ. જી હાઈ વેથી કાલુપુર થઈ મારા ઘરે જાઉં છું. સાંજના સમયે ટ્રાફિકની પરિસ્થતિ ખૂબ વધી જતી હોય છે. ટ્રાફિક પોલીસને તેના વિશે જાણ કરવામાં આવે તો તેવો એક જ વાક્ય કહેતા હોય છે કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા રહેવાની જ છે. આવો એક કિસ્સો મારી સાથે થયો હતો. થોડા દિવસ અગાઉ કાલુપુર ચાર રસ્તાથી થોડા આગળ ટ્રાફિક સમસ્યા ઊભી થઈ હતી તે સમયે ટ્રાફિકના એક અધિકારી પણ ઘટનાસ્થળે હતા. તેમને મેં ટ્રાફિકની સમસ્યા કહી ત્યારે તેમણે મને તેમનાં કામમાં માથું ના મારવાનું કહી ચાલ્યા જવાનું કહ્યું. લોકો ટ્રાફિકમાં ફસાયા હતા ત્યારે આ અધિકારી તેમની ગાડીમાં મોબાઇલ ફોનમાં વ્યસ્ત હતા. જ્યારે ટ્રાફિકના કર્મચારીઓને મેમો ફાડવામાં વધુ રસ દેખાતો હતો.
– લીલાધર ખડકે, નરોડા

હું નરોડા વિસ્તારમાં રહું છું અને સાયન્સ સિટી જોબ કરવા જાઉં છું ટ્રાફિકની સમસ્યા એક દિવસની નથી. દરરોજની થઇ ચૂકી છે. મારે ઘરેથી જલદી નીકળવું પડે છે. ટ્રાફિક પોલીસ ટ્રાફિક કંટ્રોલ કરવાની જગ્યાએ ફકત મેમો ફાડવામાં જ વ્યસ્ત હોય છે. ટ્રાફિક પોલીસનું પ્રથમ કામ ટ્રાફિક નિયમન કરવાનું છે. જે કયારેય થતું નથી.
– ઋચા શર્મા, નરોડા

શાહીબાગ ખાતે આવેલી એચ. બી. કાપડિયા સ્કૂલ પાસે બપોરના તેમજ સાંજના સમયે ટ્રાફિકની સમસ્યા વધી જતી હોય છે. ટ્રાફિક પોઇન્ટ પર પોલીસના એક હોમગાર્ડ જ કાર્યરત હોય છે. સ્કૂલ છૂટે તે સમયે ટ્રાફિક ખૂબ જ વધી જતો હોય છે અને કયારેક તો એક પણ પોલીસ કર્મચારી પોઇન્ટ પર હોતા નથી. ટ્રાફિક વધી ગયા બાદ આગળ ચાર રસ્તા પર આવેલાં બૂથ પરથી ટ્રાફિક પોલીસને બોલાવવી પડે છે.
– રવિ કાબરા, શાહીબાગ

શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલ પાસે ટ્રાફિક વધારે હોય છે. ચાલવાની પણ જગ્યા રસ્તા પર રહેતી નથી. અવારનવાર પોલીસને જાણ કરવા છતાં પણ પોલીસ કોઇ પગલાં લેતી નથી.
– ભૂમિ જયેશ વાઘેલા, શાહીબાગ

You might also like