કાળુપુરથી સરખેજ રેલવે લાઈન પર ‘ટ્રામ’ દોડાવવા ફરી વિચારણા

અમદાવાદ: મેગા સિટી અમદાવાદ વિકાસની હરણફાળ ભરતું હોઈ શહેરમાં કૂદકે ને ભૂસકે વસતીમાં વધારો થઈ રહ્યો છે. એક તરફ જનસંખ્યામાં બેહદ વૃદ્ધિ થાય છે તો બીજી તરફ જાહેર પરિવહન સેવાના સક્ષમ માળખાના અભાવથી વધુ ને વધુ નાગરિકો પોતાનાં વાહન વસાવી રહ્યા છે. આજની સ્થિતિમાં અમદાવાદની ૬૦ લાખની વસતીમાં ૩૩ લાખ વાહન છે. આનાથી શહેરની મોટામાં મોટી સમસ્યા ખોરવાયેલી ટ્રાફિક વ્યવસ્થા છે, જોકે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની એનડીએ સરકારનું શાસન આવતાં ટ્રાફિકના સરળીકરણ માટે કાળુપુરથી સરખેજ મીટરગેજ લાઈન પર ‘ટ્રામ’ દોડાવવાની દિશામાં પુનઃવિચારણા હાથ ધરાઈ છે.

આમ તો છેક ૨૦૦૪માં ઔડાના તત્કાલીન ચેરમેન સુરેન્દ્ર પટેલ દ્વારા શહેરમાંથી પસાર થતા હયાત રેલવેના માળખાના મહત્તમ ઉપયોગ માટે વિશેષ અભ્યાસ કરાયો હતો. આ માટે સુરેન્દ્ર પટેલે પશ્ચિમ રેલવેના નિવૃત્ત જનરલ મેનેજર વી. ડી. ગુપ્તાના અધ્યક્ષસ્થાને એક કમિટીનું ગઠન કર્યું હતું. તે સમયે વી. ડી. ગુપ્તાએ ૬૫ પાનાંમાં તૈયાર કરેલા અભ્યાસ અહેવાલે શહેરભરમાં ચર્ચા જગાવી હતી.

તે વખતે શહેરીજનો કા‍ળુપુરથી સરખેજ મીટરગેજ લાઈન પર કોલકાતાની જેમ ‘ટ્રામ’ દોડતી કરવાના વિચાર માત્રથી રોમાંચિત થઈ ઊઠ્યા હતા. કમનસીબે તત્કાલીન યુપીએ સરકાર અને તત્કાલીન કેન્દ્રીય રેલવે પ્રધાન લાલુપ્રસાદ યાદવે ઔડાના ડ્રીમ પ્રોજેક્ટને મંજૂરી આપવાના બદલે ડસ્ટ‌િબનના હવાલે કર્યાે હતો. બીજી તરફ ૨૦૦૬માં ઔડાના ચેરમેનપદેથી સુરેન્દ્ર પટેલના જવાથી સમગ્ર પ્રોજેક્ટના અમલીકરણની દિશામાં રહી-સહી આશા પર ઉપર પણ પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું.

આ સમયગાળામાં કોર્પોરેશને મીટરગેજ લાઈન ઉપર નવા-નવા રેલવે ઓવરબ્રિજ, અંડરપાસના નિર્માણની કામગીરી પાછળ કરોડો રૂપિયા ખર્ચી કાઢ્યા. વસ્ત્રાપુર રેલવે ફાટક સહિતના ફાટકને પહોળાં કરવા માટે પણ લાખો રૂપિયા વપરાયા છે. આ તમામ ખર્ચ કાળુપુર-સરખેજ તરફ ટ્રેનથી અપડાઉન કરનારા દૈનિક ઉતારુઓની સગવડ સાચવવા કરાયો. વર્ષ ૨૦૦૪માં આવા ફક્ત ૭૦૦ દૈનિક ઉતારુઓ હતા, જે ૨૦૧૭માં વધીને માંડ ૧૦૦૦ ઉતારુ થયા છે!

આની સામે દરરોજ આશરે પાંચ લાખ શહેરીજનોનું જીવન મીટરગેજ લાઈનથી અસ્તવ્યસ્ત થતું રહ્યું છે. હવે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની એનડીએ સરકારનો શાસનકાળ આવવાથી ઔડાના ૨૦૦૪ના જૂના પ્રોજેક્ટ પરથી ધૂળ ખંખેરાશે. ઔડાના પૂર્વ ચેરમેન અને ભાજપના કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલે થોડા સમય પહેલાં પત્રકાર પરિષદમાં સંકેત અાપ્યો હતો. સુરેન્દ્ર પટેલ કહે છે, ‘એનડીએ સરકાર સમક્ષ ઔડાના ૨૦૦૪ના પ્લાનને સ્વીકૃતિ અપાવવાની
રજૂઆત કરાશે.’

અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર-બોટાદથી આવનારી ટ્રેનોને સરખેજ રેલવે સ્ટેશન પર થોભાવીને પરત ભાવનગર-બોટાદ તરફ વાળીને સરખેજથી કાલપુર સુધીની મીટરગેજ લાઈન પર કોલકાતાની જેમ ‘ટ્રામ’ દોડાવવાની પુનઃ વિચારણા થઈ શકે છે. આ ઉપરાંત મીટરગેજ ટ્રેકની બંને તરફ પાકા રસ્તા બનાવીને શહેરીજનોને એક વધારાના ૧૩૨ ફૂટના રીંગ રોડની ભેટ આપી શકાય તેમ છે.

ઔડાના ૨૦૦૪ના ત્રણ તબક્કાનો આખા પ્લાનને વાસ્તવિક રૂપ આપવા તે વખતે વી.ડી. ગુપ્તા કમિટીએ રૂ.૩૫૦ કરોડથી વધુનો અંદાજ મૂક્યો હતો, જે આજની સ્થિતિમાં રૂ.૬૦૦ કરોડ થાય તેમ છે, જેમાં વટવા-અમદાવાદ-સાબરમતી-કલોલ સેક્શન, નરોડા, સનાથલ અને શિલજ સેક્શન વગેરેનો સમાવેશ થાય છે, પરંતુ સરખેજ-કાળુપુર મીટરગેજ લાઈનનો અમદાવાદના ટ્રાફિકના સરળીકરણ માટે ઉપયોગ કરવા પાછળ માંડ રૂ.૫૦ કરોડનો ખર્ચ થતો હોઈ આ બાબતની પુનઃ વિચારણા ચોક્કસણે અમદાવાદીઓને ટ્રાફિકના મામલે દાયકો-દોઢ દાયકા સુધીનો હાશકારો અપાવી શકે તેમ છે.
http://sambhaavnews.com/

You might also like