કાલુપુર રેલવે સ્ટેશને ૧૫ મિનિટથી વધુ વાહન રોકાયું તો આજથી ચાર્જ લેવાશે

અમદાવાદ: જો આજથી તમે કાલુપુર રેલવે સ્ટેશન પરિસરમાં ૧પ મિનિટથી વધુ વાહન ઊભું રાખશો તો પાર્કિંગ કરવા માટે પૈસા ચૂકવવા પડશે. રેલવે વિભાગ દ્વારા કાલુપુર રેલવે સ્ટેશનની બહાર સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ જેવી નવી પાર્કિંગ સિસ્ટમ આજથી લાગુ કરવામાં આવી છે.

રેલવે સ્ટેશન પર દરરોજ આવતાં ૧૦,૦૦૦થી વધુ વાહનો માટે આજથી એરપોર્ટની જેમ નવી પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. જો હવે તમે સ્ટેશન પર કોઈને મૂકવા આવો છો તો તમારે ૧પ મિનિટમાં પાર્કિંગ એરિયા છોડી દેવો પડશે. ૧પ મિનિટ પછી ટુ વ્હીલર ચાલકોએ ૧૫ મિનિટના ૧૫ રૂપિયા, જ્યારે ફોર વ્હીલર ચાલકોએ ૩પ રૂપિયા અને રિક્ષાચાલકોએ ૧૦ મિનિટના ૧૦ રૂપિયા પાર્કિંગ ફી ચૂકવવાની રહેશે.

પ્લેટફોર્મ નજીકની પ્રીમિયમ પાર્કિંગ ફેસિલિટી માટે પ્રતિ ચાર કલાકનો ચાર્જ રૂ.૧૦૦ રહેશે. લાંબા સમય સુધી પાર્ક કરી રખાતાં વાહનોની સમસ્યા દૂર કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્ટેશનના સર્ક્યુલેટિંગ એરિયામાં સીસીટીવી સાથે સેન્સરયુક્ત એન્ટ્રી બૂથ અને એક્ઝિટ બૂથ રાખવામાં આવ્યાં છે.

નવી વ્યવસ્થા મુજબ ટુવ્હીલર અને ફોર વ્હીલરને ૧પ મિનિટ ફ્રી સમય આપવામાં આવશે અને ત્યારબાદ પાર્કિંગ ચાર્જ વસૂલ કરાશે. વધુમાં પ્રથમ લેનમાં ૩૦ જેટલી કાર માટે પ્રીમિયમ પાર્કિંગ સુવિધા મળશે, જ્યાં પાર્ક થયેલી કાર માટે કલાકદીઠ રૂ.૧૦૦ ચાર્જ વસૂલ કરવામાં આવશે.

તમામ વાહનોને એન્ટ્રી પાર્કિંગ બૂથ પરથી પસાર થવાનું રહેશે. વાહનચાલકને વાહન નંબર અને સમય સહિતની માહિતી સાથેની કૂપન અપાશે. સ્ટેશન પર કામ પૂર્ણ થયા બાદ વ્યક્તિ બહાર નીકળે ત્યારે તેણે એક્ઝિટ બૂથ પર પાર્કિંગ ચાર્જ ચૂકવવાનો રહેશે. સાત પ્લોટમાં પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે.

કાલુપુરથી સારંગપુર તરફ જતા માર્ગ પર પિક અવર્સમાં ખૂબ જ ટ્રાફિક જામ થતો હોવાથી અનેક વાહનચાલકો સ્ટેશન કમ્પાઉન્ડમાંથી પસાર થતા હતા. રિક્ષાચાલકો દાદાગીરી કરી રિક્ષા પરિસરમાં જ ઊભી રાખી દેતા હતા, જેના કારણે ત્યાં પણ ટ્રાફિક જામની સમસ્યા સર્જાતાં પ્રવાસીઓને હેરાનગતિ થતી હતી. જોકે રિક્ષાચાલકોએ નવી શરૂ થયેલી પાર્કિંગ સિસ્ટમનો વિરોધ નોંધાવ્યો છે અને વધુ સમય ઊભા રહેવાની માગણી કરી રહ્યા છે.

નવી વ્યવસ્થા બાદ ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળે તેવી શક્યતા છે, જોકે આ પાર્કિંગ સિસ્ટમ શરૂ થતાં પાર્ક કરવામાં આવેલી રિક્ષાઓ હવે બહાર ઊભી રહેશે તો ટ્રાફિકની સમસ્યામાં પણ વધારો થશે.

You might also like