કાલુપુર રેલવે સ્ટેશનનાં તમામ છ ટિકિટ વેન્ડિંગ મશીન દિવસોથી ઠપ

અમદાવાદ: ભલે રેલવેતંત્રે સ્ટેશન પર પ્રવાસીઓને પડતી હાલાકી દૂર કરવા માટે અવનવી સુવિધાઓ શરૂ કરી હોય તેમ છતાં પ્રવાસીઓની હાલાકી યથાવત્ જ છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર છેલ્લા કેટલાય દિવસથી ટિકિટ વે‌િન્ડંગ મશીન ઠપ થઇ ગયાં છે, જેના કારણે પ્રવાસીઓને ટિકિટ માટે લાંબી લાઇનમાં ઊભાં રહેવું પડે છે.

રેલવેએ કરેલી સિદ્ધિઓ દર્શાવવામાં અધિકારીઓને રસ છે, પરંતુ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓને અનેક સુવિધાઓને લઇ ભારે હાલાકી વેઠવી પડે છે તેની કોઇ ચિંતા નથી. અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓને લાંબી લાઇનમાં જનરલ ટિકિટ માટે ઊભાં ન રહેવું પડે તે માટે એક વર્ષ પહેલાં છ ટિકિટ વે‌િન્ડંગ મશીન પ્રાયોગિક ધોરણે મૂકવામાં આવ્યાં હતાં. આ મશીન મૂક્યાના થોડા જ દિવસોમાં વારંવાર બંધ થઇ જવાની ફરિયાદો ઊઠી હતી.

ટિકિટ વે‌િન્ડંગ મશીન આખા ભારતમાં બંધ હાલતમાં છે. રેલવે વિભાગનું કહેવું છે કે મશીન સોફ્ટવેર અપડેટ થયું નથી તેના માટે બધી જગ્યાએ મશીન બંધ હાલતમાં છે. હાલ આ મશીન ધૂળ ખાઇ રહ્યાં છે. હવે આ મશીન ક્યારે સારાં થશે એ તો સમય જ બતાવશે.

રેલવેના અધિકારીઓ દ્વારા પણ તપાસ હાથ ધરવાની સાથે સોફ્ટવેર અપટેડ કરવાની પ્રક્રિયા શરૂ કરાઇ છે, જેના પગલે અમદાવાદ સ્ટેશન પર લગાવવામાં આવેલ ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન હાલ બંધ કરી દેવામાં આવ્યાં છે અને સોફ્ટવેર અપડેટ થયા બાદ મશીન ચાલુ કરાશે.

આ મુદ્દે અમદાવાદ ડિવિઝનના જનસંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ જણાવ્યું કે અમદાવાદ સ્ટેશન સહિત અન્ય સ્ટેશન પર લગાવવામાં આવેલા ટિકિટ વેન્ડિંગ મશીનમાં ટેક‌િનકલ ખામી સર્જાતાં હાલ મશીન બંધ છે. થોડા સમયમાં ખામી દૂર કરાતાં મશીન ફરીથી શરૂ કરવામાં આવશે.

You might also like