કાલુપુર સહિતનાં રેલવે સ્ટેશને હવે થેપલાં, ઢોકળાં પણ મળશે

અમદાવાદ: વેસ્ટર્ન રેલવેમાં મુસાફરી કરી રહ્યા રેલ પ્રવાસીઓ હવે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિતના રેલવે સ્ટેશનો પરથી ગુજરાતી વાનગીઓની મોજ માણી શકશે. તાજેતરમાં મળેલી વેસ્ટર્ન રેલવેની યુઝર્સ કમિટીમાં રેલવે સ્ટેશનો પરના સ્ટોલમાં ગુજરાતી વાનગીઓ થેપલાં, ખમણ અને ઢોકળાંના વેચાણ માટેની મંજૂરી આપતો ઠરાવ પસાર કરાયો છે.

તેથી હવે ટૂંક સમયમાં રેલવે બોર્ડની મંજૂરી મળતાં જ પ્રવાસીઓને સેન્ડવિચ, વડાપાંવ, બર્ગર વગેરે ઉપરાંત પેકિંગમાં ગુજરાતી વાનગીઓ વેચાતી જોવા મળશે.

તાજેતરમાં મળેલી રેલવે યુઝર્સ કન્સેલેટિવ કમિટીની મળેલી એક બેઠકમાં વેસ્ટર્ન રેલવેના સભ્યોએ ભારપૂર્વક રજૂઆત કરી હતી. જેને પગલે રેલવે સત્તાધીશોએ ગુજરાતી વાનગીઓનાં વેચાણ અંગેના ઠરાવ રેલવે બોર્ડને મોકલ્યો છે. કટલાક સભ્યો કમિટીના અન્ય સભ્યોને તેમની રજૂઆતની ખાતરી કરાવવા માટે મિટિંગમાં થેપલાં, ઢોકળાં, ખમણ, ખાંડવી, મૂઠિયાં વગેરે તૈયાર વાનગી પેક કરીને લઈ ગયા હતા.

સભ્યોની રજૂઆત હતી કે ભારતીય સંસદમાં ઢોકળાં, ખમણ વેચાય તો રેલવે સ્ટેશન પર કેમ ન વેચી શકાય. ઝેડઆરયુસીસી (ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટિવ કમિટી)ના સભ્ય ઓમકારનાથ તિવારીએ જણાવ્યું હતંુ કે મોટાભાગે થેપલાં ગુજરાતી મહિલાઓ બનાવે છે. આ નિર્ણયથી તેમને રોજગારી પણ મળશે.

સભ્યોએ કમિટીમાં થેપલાં પાંચ દિવસ રાખી મૂકી પછી ખાવા સૂચન કર્યું હતું અને ખાતરી આપી હતી કે લાંબી મુસાફરીમાં પાંચ દિવસ બગડી ન શકે તેવાં થેપલાં મુસાફરો માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. ગુજરાતના સુરત, ભરુચ, અમદાવાદ, ગોધરા સહિતના મેમ્બરોની રજૂઆતને પગલે હવે આગામી માસથી રેલવે સ્ટેશનો પર પ્રવાસીઓ ગુજરાતી વાનગીઓનો સ્વાદ માણશે એટલું જ નહીં મધ્યપ્રદેશની રજૂઆતના પગલે હવે રેલવે સ્ટેશન પર બટાકા પાૈંઆ પણ મળશે.
http://sambhaavnews.com/

You might also like