સુરક્ષા સાથે છેડછાડઃ કાલુપુર રેલવે સ્ટેશનનાં બૂમ બેરિયર માત્ર શો-પીસ

અમદાવાદ: શહેરના કાલુપુર રેલવે સ્ટેશનમાં આવતાં વાહનોનાં ચેકિંગ માટે મૂકવામાં આવેલા બૂમ બેરિયર (ફાટક) છેલ્લા ઘણા સમયથી બંધ હોવાનું સામે આવ્યુ છે. રેલવે સ્ટેશન પર કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં અને શંકાસ્પદ વાહનને રોકવા માટે રેલવે તંત્ર દ્વારા સ્ટેશનની બહાર બૂમ બેરિયર મૂકવામાં આવ્યાં હતાં. જોકે આ બૂમ બેરિયર અત્યારે કામ જ ન કરતા હોઈ શો પીસ બની ગયા છે.

શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર રોજબરોજ હજારોની સંખ્યામાં લોકો મુસાફરી કરે છે ત્યારે તેમની સુરક્ષાને લઇને રેલવે પોલીસ અને આરપીએફની ટીમ સ્ટેશન પર સજ્જ હોય છે. રેલવે સ્ટેશન પર અવારનવાર મારામારી તેમજ રિક્ષાચાલકો મુસાફરો સાથે ઠગાઇ આચરતા હોવાની અનેક ઘટનાઓ ઘટે છે.

આ સિવાય ચોરી, લૂંટ જેવી ઘટનાઓ પણ રેલવે સ્ટેશન પર બની રહી છે. ફેબ્રુઆરી ૨૦૦૬માં કાલુપુર રેલવે સ્ટેશનમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો ત્યારે પણ સ્ટેશનની સુરક્ષાને લઇને અનેક સવાલો ઊભા થયા છે.

વર્ષ ૨૦૧૭માં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એલર્ટ આપી દેવામાં આવ્યું હતું. તે સમયે કાલુપુર રેલવે સ્ટેશનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો પત્ર મળી આવતાં દોડધામ મચી ગઇ હતી. રેલવે સ્ટેશન પર બોમ્બ હોવાની આશંકા વચ્ચે સ્થળ પર બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડે તપાસ હાથ ધરી હતી અને તમામ મુસાફરોને સાવધાન કરી દેવામાં આવ્યા હતા અને સ્ટેશન પર દરેક શંકાસ્પદ વસ્તુઓ અને લાવારિસ સામાનની તપાસ શરૂ કરી દીધી હતી. લાંબી તપાસ બાદ કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નહીં આવતા સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. રેલવે સ્ટેશન હાઇસિક્યોરિટી ઝોન હોવાથી સુરક્ષાના મામલે પૂરતું ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

કાલુપુર રેલવે સ્ટેશનમાં હાઇડેફિનેશનન નાઇટ વિઝન કેમેરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે ત્યારે દરેક પ્લેટફોર્ટ પર હથિયારધારી જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે. થોડાક સમય પહેલા રેલવે તંત્ર દ્વારા સ્ટેશન પર આવતા તમામ વાહોનાં ચેકિંગ માટે બૂમ બેરિયર પણ મુક્યાં હતાં.

જે થોડાક સમય ચાલુ રહ્યા બાદ બંધ કરી દેવામાં આવ્યાં છે. સ્ટેશન પર રોજ હજારો વાહનોની અવરજવર છે ત્યારે તમામ વાહનોનું ચેકિંગ કરતાં ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. દરેક વાહનોને ચેક કરતા હતા ત્યારે કાલુપુર મુખ્ય રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી અને મુસાફરોને મોડું પણ થતું હતું. લોકોને પડતી હાલાકીના કારણે બૂમ બેરિયર બંધ કરી દેવામાં આવ્યાં છે. આ બૂમ બેરિયર આજે બંધ પડ્યાં છે. જેની કોઇ દેખરેખ રાખવામાં આવતી નથી.

કાલુપુર રેલવે સ્ટેશનમાં લગાવેલા બૂમ બેરિયરનો વિવાદ હાલ હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે. આધારભૂત સૂત્રોનાં જણાવ્યા અનુસાર બૂમ બેરિયર લગાવવા પાછળનું કારણ કોઈ પણ વાહનચાલક રેલવે સ્ટેશનમાં આવે ત્યારે તેના વાહનની નંબર પ્લેટ તેમજ ટાઈમ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં આવી જતો હતો.

આ સિવાય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહનોનું ચેકિંગ પણ કરવામાં આવતું. રેલવે તંત્રેએ બૂમ બેરિયર માટે ટેન્ડર ઈશ્યૂ કર્યું હતું. જેમાં તેનો કોન્ટ્રાક્ટ એક કંપનીનો આપવામાં આવ્યો હતો. જે તે કંપનીએ રેલવે સાથે આર્થિક ગોટાળા કરતાં તેનું ટેન્ડર રદ કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ રેલ તંત્રે અન્ય એક કંપનીને આપ્યું હતું. બરતરફ કરાયેલી કંપનીએ હાઈકોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી. જેના કારણે સમગ્ર મામલો વિવાદોમાં સપડાયો છે. રેલવે પીઆરઓ પ્રદીપ શર્માએ સમગ્ર મામલે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો.

You might also like