કાલુપુર સ્ટેશને ૬ કરોડના ડ્રગ્સ સાથે નાઈજિરિયન ઝડપાયો

અમદાવાદ: દેશના યુવાધનને બરબાદ કરતા કરોડો રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો)એ કાલુપુર રેલવે સ્ટેશનથી એક નાઇજિરિયન યુવકની મોડી રાતે ધરપકડ કરી છે. એનસીબીએ નાઇજિરિયન યુવક પાસેથી કોકેન અને એમ્ફેટામાઇન ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. એનસીબીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રગ્સની હેરફેર કરવામાં ધરપકડ કરાયેલા નાઇજિરિયન યુવકના તાર અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા હોય તેવી શક્યતાઓ છે.

દિલ્હીથી નાઇજિરિયન યુવક થેલામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ લઇને ગરીબરથ ટ્રેનમાં આવી રહ્યો હોવાની બાતમી એનસીબીના અધિકારીઓને મળી હતી. બાતમીના આધારે મોડી રાતે કાલુપુર રેલવે સ્ટેશન પર એનસીબીના અધિકારીઓ તેમજ કાલુપુર રેલવે પોલીસ વોચમાં બેઠાં હતા ત્યારે મોડી રાતે પ્લેટફોર્મ નંબર 4 પર આવેલી ગરીબરથ ટ્રેનમાંથી એક નાઇજિરિયન યુવક ઊતર્યો હતો. એનસીબીની ટીમે તેને ઝડપી લીધો હતો અને તેની પાસે રહેલી બેગમાં તપાસ કરતા શંકાસ્પદ નશીલો પાઉડર મળી આવ્યો હતો.

એનસીબીના અધિકારીઓ નાઇજિરિયન યુવકની ધરપકડ કરીને તેને એનસીબીની કચેરીએ લાવ્યા હતા, જ્યાં તેની આકરી પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછમાં નાઇજિરિયન યુવકનું નામ જોન બિલિયન હોવાનું સામે આવ્યું હતું. એનસીબીના ડાયરેક્ટર હરિઓમ ગાંધીએ જણાવ્યું છે કે જોન બિલિયન પાસેથી મળી આવેલા શંકાસ્પદ નશીલા પાઉડરનું એફએસએલની ટીમે પરીક્ષણ કરતાં કોકેન અને એમ્ફેટામાઇન ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું. વધુમાં તેમને જણાવ્યું છે કે જોન પાસેથી મળી આવેલા ડ્રગ્સની ઇન્ટરનેશનલ વેલ્યુ 6 કરોડ રૂપિયા થાય છે. દર અઠવાડિયે જોન દિલ્હીથી કરોડો રૂપિયાનું કોકેન તેમજ એમ્ફેટામાઇન લઇને અમદાવાદ આવતો હતો અને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનથી ટિકિટ કઢાવીને મુંબઇ ડ્રગ્સની ડિલિવરી આપવા માટે જતો હતો.

જોન કાલુપુર રેલવે સ્ટેશન પરથી ગોવાની ટિકિટ લેતો હતો અને મુંબઇ ઊતરી જતો હતો. જોન ક્યાંથી ડ્રગ્સ ખરીદતો હતો, મુંબઇમાં કોને ડ્રગ્સ આપતો હતો તે મામલે તેની આકરી પૂછપરછ શરૂ કરી છે. આ સિવાય મુંબઇના તેમજ અંડરવર્લ્ડ સાથે તેનાં કનેકશન છે કે નહીં તે મામલે પણ પૂછપરછ શરૂ કરી છે. એનસીબીનાં સૂત્રોનાં જણાવ્યા અનુસાર જોન મુંબઇમાં ડી ગેંગના સંપર્કમાં હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે દસ દિવસ પહેલાં બરોડા રેલવે સ્ટેશન પરથી એક નાઇજિરિયન યુવકની 5 કરોડ રૂપિયાનાં ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. એનસીબીની ટીમે બાતમીના આધારે રાજધાની એકસપ્રેસમાંથી જી-1 કોચમાંથી પીટર ચીનેડુ ઓખાફોરની પાંચ કરોડના કોકેન એમ્ફેટામાઇન સાથે ધરપકડ કરી હતી. પીટર પાસે 300 ગ્રામ કોકેન અને 900 ગ્રામ એમ્ફેટામાઇન હતું. પીટર પણ દિલ્હીથી ડ્રગ્સ લાવીને ગોવા તેમજ મુંબઇ લઇ જતો હોવાનું ખુલ્યું હતું. પીટર ચંપલમાં સંતાડીને ડ્રગ્સની ડિલિવરી કરતો હોવાનું સામે આવ્યું છે. સાઉથ આફ્રિકાથી સમગ્ર ડ્રગ્સનું નેટવર્ક ચાલતું હોવાનું પણ એનસીબીના ધ્યાને આવ્યું છે. પીટર અને જોન એક જ ગેંગ માટે કામ કરતા હોય તેવી શક્યતાઓ છે.

ત્રણ વર્ષમાં કેટલાં કન્સાઈન્મેન્ટ પકડાયાં?
• વર્ષ 2014માં હેરોઇન, મોર્ફિન તથા હશીશનો રૂપિયા 50 કરોડથી વધુની કિંમતનો જથ્થો પકડાયો
• વર્ષ 2015માં મે‌િડકેટેડ ડ્રગ્સ તથા હેરોઇનનો રૂપિયા 100 કરોડથી વધુની િકંમતનો જથ્થો પકડાયો
• વર્ષ 2016માં એફેડ્રિન તથા હેરોઇનનો 300 કરોડ રૂપિયા કરતાં વધુની કિંમતનો જથ્થો પકડાયો
• વર્ષ 2017માં કોકેન તેમજ એમ્ફેટામાઇનનો રૂ. 11 કરોડ કરતાં વધુની કિંમતનો જથ્થો પકડાયો

http://sambhaavnews.com/

You might also like