‘અે-૧’ ગ્રેડ કાલુપુર સ્ટેશન સુરક્ષાના મામલે નાપાસ!

અમદાવાદ: અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની દેશનાં મોટાં રેલવે સ્ટેશનમાં ગણતરી થાય છે તેમ છતાં અહીં સુરક્ષા માટે જરૂરી એવા બેગેજ સ્કેનરની સુવિધા ઉપલબ્ધ નથી. અારપીએફના જવાનો દ્વારા માત્ર હેન્ડ મેટલ ડિટેક્ટરથી મુસાફરોના સામાનનું ચેકિંગ કરવામાં અાવી રહ્યું છે ત્યારે કોઈ અાતંકી તત્ત્વો તેના સામાનમાં કોઈ જોખમી કે વિસ્ફોટક સામગ્રી લઈ જાય તો મોટી ઘટના બની શકે તેમ છે. અા અંગે અખિલ ભારતીય રેલ ઉપભોક્તા સંઘ તેમજ સાંસદ-અભિનેતા પરેશ રાવલ દ્વારા પણ રજૂઅાતો કરાઈ હોવા છતાં હજુ સુધી રેલવેતંત્ર દ્વારા અા બાબતને ગંભીરતાથી લેવાઈ નથી. અા અંગે રેલવેતંત્ર દ્વારા જણાવાયું હતું કે મંત્રાલય તરફથી હજુ સુધી મંજૂરી મળી નથી.

દેશનાં મોટાં સ્ટેશનો પૈકીના એક એવા અમદાવાદ રેલવે સ્ટેશન સહિત દેશના 40 રેલવે સ્ટેશનોનો રેલવે મંત્રાલય દ્વારા એ-1 ગ્રેડમાં સમાવેશ કરાયો છે. અમદાવાદ રેલવે સ્ટેશન ઉપરથી દરરોજ લોકલ, એક્સપ્રેસ અને સુપર એક્સપ્રેસ સહિત ૧૭૦ ટ્રેન અવર-જવર કરે છે, જેમાં દરરોજ 1.50 લાખ જેટલા મુસાફરો અવરજવર કરી રહ્યા છે. અાવા ભારે ટ્રાફિક ધરાવતા રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર બેગેજ સ્કેનિંગ મશીનની સુવિધા ઉપલબ્ધ નથી. અહીં રેલવે પોલીસ ફોર્સ (અારપીએફ)ના જવાનો દ્વારા હેન્ડ મેટલ ડિટેક્ટરથી પ્રવાસીઅોનું ચેકિંગ કરવામાં અાવી રહ્યું છે. રેલવે જવાનો દ્વારા દરરોજ દોઢ લાખ જેટલા મુસાફરોના લગેજને હેન્ડ મેટલ ડિટેક્ટરથી ચેક કરવું ભારે મુશ્કેલ છે, જેના કારણે અમદાવાદ રેલવે સ્ટેશન પરથી મુસાફરી કરતા પ્રવાસીઅોની સુરક્ષાની કોઈ સુવિધા નથી.

દેશના મેટ્રો સિટી એવા દિલ્હી રેલવે સ્ટેશન ઉપર રેલવે મંત્રાલય દ્વારા બેગેજ સ્કેનિંગ મશીન મૂકવામાં અાવેલું છે, જેના દ્વારા તમામ મુસાફરોના લગેજનું ચેકિંગ કરવામાં અાવે છે. જો કોઈ મુસાફર તેની બેગમાં શંકાસ્પદ વસ્તુ લઈને જતો હોય તો તુરંત જ રેલવે પોલીસના સકંજામાં અાવી જાય છે, જેના કારણે કોઈ મોટી ઘટના ટળી શકે છે.

અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પણ પ્લેટફોર્મ નં. ૧ અને ૧ર ઉપર એક એક બેગેજ સ્કેનિંગ મશીન મૂકવાની જરૂરિયાત છે. જો અાવું બેગેજ સ્ક‍ેનિંગ મશીન  મુકાય તો પ્રવાસીઅોની સુરક્ષામાં વધારો થઇ શકે છે તેમજ રેલવે પોલીસને મુસાફરો ઉપર નજર રાખવાનું ઘણું સરળ બની રહેશે. અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર બેગેજ સ્કેનર મશીન મૂકવા અંગે અખિલ ભારતીય રેલ ઉપભોક્તા સંઘ દ્વારા રેલવે મંત્રાલયને લેખિતમાં રજૂઅાત કરવામાં અાવી હતી. અા ઉપરાંત અમદાવાદ પૂર્વના સાંસદ અને અભિનેતા પરેશ રાવલે તાજેતરમાં અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી ત્યારે તેમને રેલવે પોલીસ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર ૧ર બેગેજ સ્કેનિંગ મશીનની જરૂરિયાત હોવાનું જણાવાયું હતું. અા અંગે સાંસદ-અભિનેતા પરેશ રાવલે ડીઅારએમ રાહુલ અગ્રવાલ સાથે મુલાકાત કરી ચર્ચા કરી હતી.

રેલ મંત્રાલય દ્વારા મંજૂરી નથી મળી: પ્રદીપ શર્મા, પીઅારઅો, વેસ્ટર્ન રેલવે, અમદાવાદ
અા અંગે પશ્ચિમ રેલવે-અમદાવાદના પીઅારઅો પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે બેગેજ સ્કેનિંગ મશીન માટે રેલ મંત્રાલયમાં દરખાસ્ત કરી છે, જોકે અા અંગે રેલ મંત્રાલય દ્વારા હજુ મંજૂરી અાપવામાં અાવી નથી, જેના કારણે રેલવે સ્ટેશન ઉપર બેગેજ સ્કેનિંગ મશીન મુકાયાં નથી.

You might also like