કાલુપુર રેલવે સ્ટેશને ૧૪ મેટલ ડિટેક્ટર, ૫૦ CCTV કેમેરા લગાવાશે

અમદાવાદ: દેશમાં આતંકવાદી હુમલો થવાનું એલર્ટ હોય ત્યારે સૌ પ્રથમ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર પોલીસ એલર્ટ થાય છે. રેલવે સ્ટેશન પર સુરક્ષા માટે રેલવે પોલીસ અને આરપીએફ (રેલવે સુરક્ષા બળ) અલગથી હોય છે. પરંતુ કાલુપુર, મણિનગર અને સાબરમતી રેલવે સ્ટેશન પર સુરક્ષાને નામે મીંડું છે. લાખો પ્રવાસીઓની સુરક્ષા પર અનેક સવાલો ઊઠતાં રેલવે પોલીસ અને આરપીએફ હવે જાગી છે. પોલીસ દ્વારા ૧૪ નવા મેટલ ડિટેકટર, પ૦ સીસીટીવી કેમેરા લગાવાશે. સાથે સાથે એક નવો કંટ્રોલરૂમ પણ ઊભો કરાશે.

રેલવે સૂત્રોનાં જણાવ્યા મુજબ હાલમાં કાલુપુર રેલવે સ્ટેશન પર ૮૦ જેટલાં સીસીટીવી કેમેરા છે. મણિનગર અને સાબરમતી રેલવે સ્ટેશન પર માત્ર બહારના ભાગે સીસીટીવી કેમેરા લગાવાયા છે. અંદર કોઇ પણ કેમેરા લગાવાયા નથી. મહત્વની વાત એ છે કે કાલુપુર રેલવે સ્ટેશન પર દરરોજ લાખો પ્રવાસીઓ અવરજવર કરે છે ત્યારે કોઇ પણ પ્રવેશ ગેટ પર મેટલ ડિટેકટર મૂકવામાં આવ્યું નથી. લાખો પ્રવાસીઓની સુરક્ષા મામલે હવે રેલવે પોલીસ અને આરપીએફ સફાળી જાગી છે. હાઇ સિક્યોરિટીને ધ્યાનમાં રાખી હવે કાલુપુર રેલવે સ્ટેશન પર ૧૪ નવા મેટલ ડિટેકટર, ર બેગ સ્કેનર, પ૦ નવા સીસીટીવી કેમેરા વગેરે મૂકવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે અત્યારે રેલવે પોલીસ, આરપીએફ, રેલવે સફાઇ અને અન્ય ફરિયાદો માટેના અલગ અલગ કંટ્રોલરૂમ છે. આ કંટ્રોલરૂમને હવે એક કરી દેવાશે. ડી.આર.એમ. ઓફિસ ખાતે તમામનો અેક જ કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવશે. સુરક્ષાને લઇ હવે રેલવે પોલીસ અને આરપીએફ કોઇ કચાશ બાકી રાખવા નથી માગતી. જેથી હવે કાલુપુર, મણિનગર અને સાબરમતી રેલવે સ્ટેશન પર હાઇ સિક્યોરિટી રાખવામાં આવશે.

You might also like