દેશી રંગમાં રંગાઈ ગઈ છુંઃ કલ્કિ કોચલીન

કલ્કિ કોચલીન રોલ નાનો હોય કે મોટો તેમાં પડતી નથી. તેની નજરમાં રોલ દમદાર હોવો જોઇએ. આ જ કારણ છે કે તેની એક ફિલ્મમાં તેના સહઅભિનેતા નસીરુદ્દીન શાહ હતા. ફિલ્મના વિષય અને નિર્દેશકને મહત્ત્વના ગણનારી કલ્કિને મસાલા અને અર્થસભર ફિલ્મો બંને એકસરખી રીતે પસંદ પડે છે. ૨૦૧૪માં તેને ‘માર્ગારેટા વિથ ધ સ્ટ્રો’ ફિલ્મ માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો. અસામાન્ય પાત્ર ભજવનારી અભિનેત્રીની છાપ ધરાવનારી કલ્કિ કહે છે કે મને જ્યારે નેશનલ એવોર્ડ મળ્યો ત્યારે ખૂબ જ ખુશી થઇ. મેં કયારેય વિચાર્યું નહોતું કે મને આટલું મોટું સન્માન મળશે. આ ફિલ્મમાં મારા પાત્ર માટે મેં ખૂબ જ મહેનત કરી હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મ ન ચાલી, તેથી મારા કામની ચર્ચા ન થઇ હતી. એવોર્ડ મળ્યો ત્યારે લોકોનું ધ્યાન આ ફિલ્મ તરફ પડ્યું.

કોંકણા સેન શર્માના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ ‘ધ ડેથ ઇન ધ ગંજ’ ફિલ્મમાં પણ કલ્કિ અભિનય કરી રહી છે. આ ફિલ્મ હવે પૂરી થવા જઇ રહી છે. તે લગભગ પાંચ દાયકા જૂની કહાણી છે. ફિલ્મમાં ઓમ પુરી, તનુજા, રણવીર શૌરી અને ગુલશન દેવૈયા જેવા કલાકારો પણ છે. પહેલાં કલ્કિ બોલિવૂડમાં આવી ત્યારે લોકોને તેના વિદેશી લુક સામે થોડી પરેશાની હતી, પરંતુ હવે તેના આ ચહેરાને લોકોએ સ્વીકારી લીધો છે. તે કહે છે કે હવે મને કોઇ ખાસ પરેશાની થતી નથી, જોકે તે ફિલ્મકારોનો કોઇ દોષ ન હતો. મારો ચહેરો જ એવો છે, પરંતુ સાચું કહું તો હવે હું દેશી રંગમાં રંગાઇ ચૂકી છું. મને હિંદી ભાષા પણ આવડવા લાગી છે. બોલિવૂડના દર્શકો પણ મારા કામથી પરિચિત થઇ ગયા છે. •

You might also like