હું અને અનુરાગ ખૂબ જલદી એકસાથે કામ કરીશુંઃ કલ્કિ

હટકે પ્રકારના અભિનય માટે જાણીતી બોલિવૂડ અભિનેત્રી કલ્કિ કોચલીન પાસે ફિલ્મોની ઓફર તો ઘણી આવે છે, પરંતુ તે જાતે જ ઓછી ફિલ્મો કરવાનું પસંદ કરે છે. તે કહે છે, મને મારી જાતને હંમેશાં શૂટિંગમાં ખૂંપાવી રાખવી પસંદ નથી. મને એટલું જ કામ કરવું પસંદ છે, જે મારા મનને સુકુન આપે. નાટકોની વાત છે તો હું શરૂઆતથી જ થિયેટર સાથે જોડાયેલી છું. જ્યારે પણ મારી પાસે સમય હોય છે ત્યારે હું થિયેટર કરું છું. કલ્કિ ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ સાથે કામ કરવાની દિલથી ઇચ્છા ધરાવે છે. તે કહે છે, હું વિશાલની દિલથી ફેન છું. વિશાલની ફિલ્મો કોમર્શિયલ અને બિનપારંપરિક હોય છે.

અનુરાગ કશ્યપ સાથેનું કલ્કિનું લગ્નજીવન લાંબું ન ટકી શક્યું, આ અંગે વાત કરતાં તે કહે છે કે સાચું કહું તો લગ્ન જ એક એવું કામ છે, જે મેં સંપૂર્ણ માસૂમિયત સાથે કર્યું. તેમ છતાં પણ તે લાંબું ન ચાલી શક્યું. મારું માનવું છે કે સફળ લગ્નજીવન માટે એક વ્યક્તિને ખૂબ જ ભરોસા અને માસૂમિયતની જરૂર હોય છે. કોઇ પણ વ્યક્તિ કોઇ અન્યની મરજી કે પસંદગીથી પોતાની જિંદગી ન જીવી શકે, જોકે આપણે મોટા ભાગનો સમય એ જ કરીએ છીએ. કોઇ વ્યક્તિ માટે દરેક વ્યક્તિને ખુશ રાખવી શક્ય નથી, જોકે અનુરાગ અને હું આજે પણ સારા મિત્રો છીએ. અમે ખૂબ જલદી એકસાથે કામ કરીશું. અમારા બંને પાસે જે રચનાત્મક છે તે કોઇ છીનવી ન શકે. અમારી વચ્ચે હજુ પણ રચનાત્મક સમજ અને એકબીજા માટે સન્માન છે. •

You might also like