કળશ આધ્યાત્મિક પ્રતીક તેમજ વરુણપૂજાનું પ્રતીક છે….

મંદિર હોય ત્યાં કળશ હોવાનો જ. ભગવાનનાં દર્શન કરી કળશનાં દર્શન ન કરીએ તો દર્શન અપૂર્ણ રહી જાય. મંદિર પર કળશ ચઢાવવામાં આવે જે કરેલા પુરુષાર્થ કે કાર્યની પૂર્ણતાનું પ્રતીક છે.

કળશ આધ્યાત્મિક પ્રતીક છે. કળશના મુખમાં વિષ્ણુ, કંઠમાં શંકર, મૂળમાં બ્રહ્મા, મધ્યમાં માતૃકાગણ એની દશેય દિશાના ભાગમાં દિફપાલ, અંદર સાત સાગર-ગ્રહ-નક્ષત્રો, કુલ પર્વત, ગંગા આદિ સંહિતાઓ તથા ચાર વેદ છે.

સંસ્કૃતિની જ્યારે પણ શરૂઆત થઈ હશે ત્યારે માનવીને લાગ્યું હશે કે વરસાદ છે તેથી જ તો જીવન છે. જો વર્ષા ન હોત તો જીવન સુકાઈ જાત, તે આપણી સેવા કરે છે, આપણને જીવતદાન આપે છે તો આપણે પણ તેનું પૂજન કરવું જોઈએ, પરંતુ તેમાં એક અગવડ આવી.

વરસાદ તો ફક્ત ચાર જ મહિના આવે અને તે પણ હંમેશાં નહીં. આપણા પૂર્વજોએ તેમાંથી રસ્તો કાઢ્યો, કૂવા, તળાવ, નદી બધાંનું પાણી વરસાદે જ આપ્યું છે. એકાદ લોટામાં કળશમાં તેને ભરી લઈએ અને તેનું પૂજન કરીએ.

આ મંગલ ભાવના સાથે કાળક્રમે રસાધિરાજ વરુણ ભગવાનની તેમાં સ્થાપના કરીને સંસ્કૃતિના ગૌરવવંતા ભવ્ય પ્રતીકનું સર્જન કર્યું અને તે કળશનું પૂજન કર્યું. કળશ એ ભારતીય સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતીક છે.

તેથી જ તો પ્રત્યેક મહત્ત્વના શુભ પ્રસંગે પુણ્યાહવાચન, કળશની સાક્ષી અને સાંનિધ્યમાં થાય છે. કળશ વરુણપૂજાનું પ્રતીક છે. ચારે બાજુએથી સોનાના લેપથી જેનો તામ્રવર્ણ ઢંકાઈ ગયો છે તે કળશ છે. કળશ ભારતીય ઉપખંડની પૌરાણિક હિંદુ સંસ્કૃતિનું અગ્રગણ્ય પ્રતીક છે.

એટલા માટે તો મહત્ત્વના બધા શુભ પ્રસંગોમાં પુણ્ય કળશની ઉપસ્થિતિમાં એના સાંનિઘ્યમાં થાય છે. દરેક શુભ પ્રસંગ અને કાર્યની શરૂઆતમાં જે રીતે વિઘ્નહર્તા ગણપતિની પૂજા કરવામાં આવે છે. એ જ પ્રકારે કળશની પણ પૂજા થાય છે.

પ્રત્યેક શુભ પ્રસંગે કાર્યના આરંભમાં જેમ વિઘ્નહર્તા ગણપતિની પૂજા કરવામાં આવે છે તેમ કળશની પૂજા પણ થાય છે. ઊલટું દેવપૂજા કરતાં અગ્રસ્થાન આ કળશને મળે છે. પહેલું તેનું પૂજન, પહેલાં તેને નમસ્કાર અને પછી વિઘ્નહર્તા ગણપતિને નમસ્કાર! આવંુ પ્રાધાન્ય પામેલા કળશ અને તેના પૂજન પાછળ અતિ સુંદર ભાવ છે.

સ્વસ્તિકનું ચિહ્ન કાઢતાં જ જેમ સૂર્ય તેના પર આવી આસનસ્થ બને છે તે જ પ્રમાણે કળશ સજાવતાં જ વરુણદેવ તેના પર આવી બિરાજે છે. જે સંબંધ કમળ-સૂર્યનો તે જ સંબંધ કળશ-વરુણનો!

વાસ્તવમાં કળશ એટલે લોટામાં ભરેલું, ઘડામાં ભરેલું પાણી જ છે, પરંતુ તેની સ્થાપના પછી, તેના પૂજન પછી તે સામાન્ય પાણી ન રહેતાં, દિવ્ય ઓજસમય પાણી બની જાય છે.

કાંચન કરતાં કીર્તિ મહાન છે અને સુવર્ણ કરતાં સોનેરી જીવન શ્રેષ્ઠ છે. મંદિરનાં શિખર પર સ્થાન પામેલા કળશને તે કીર્તિ અને તેનું જીવન પ્રાપ્ત થઈ ચૂક્યા છે. હવે તેણે પોતાના બારામાં હીનભાવ રાખવાનું કશું કારણ નથી. નાનો માણસ પણ મહાન કાર્યમાં નિમિત્ત બને તો તે જીવનમાં મહાનતાનાં શિખરને આંબી શકે છે.

ત્યાર પછી તેણે નાનમ અનુભવવાનું કે લઘુગ્રંથિથી પીડાવાનું કશું જ કારણ નથી. પ્રભુકાર્યમાં નિમિત્ત બનેલો વાલિયો એ સોનું છે કે નહીં તે જોવાનું કારણ નહીં. રામ જીવનનો મહિમા ગાતો વાલિયો સોનેરી જીવનનો મહર્ષિ વાલ્મીકિ બન્યો અને રામના જીવન મંદિરના ઉન્નત શિખર પર સુવર્ણ કળશ જેવો શોભવા લાગ્યો.

તેનું નામ ઇતિહાસમાં અમર થયું. તેની કીર્તિએ અનેક કંચન કિરીટોને ઝાંખા પાડી દીધા. તેની વાણીમાં વેદનો વૈભવ અને સ્વરમાં કોકિલનું માધુર્ય સ્વયં આવીને સમાઈ ગયું.

આપણા પૂર્વજો જીવનમાં ભાવનાને પ્રાધાન્ય આપતા હતા. ભાવપૂર્ણ જીવન એટલે જ ભારતીય જીવન. ભાવના બદલાતાં જ જીવનનો વ્યવહાર બદલાઈ જાય છે. પથ્થરને સિંદૂર લગાડતાં જ ભાવના બદલાઈ જાય છે; તે પથ્થર મટી હનુમાન બને છે. ભાવના એટલે જ જીવન અને ભાવશૂન્યતા એટલે મૃત્યુ.•

You might also like