સવારના ચાર વાગ્યાથી ‘કાલા’ના શો માટે લાગી લાંબી લાઈનો

ચેન્નઇ: રજનીકાંતની બહુચર્ચિત ફિલ્મ ‘કાલા’ આજે ‌થિયેટરોમાં રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મનો પહેલો શો વહેલી સવારે ૪-૦૦ વાગ્યાનો રાખવામાં આવ્યો હતો. દેશભરમાં રજનીના ફેન્સનો પોતાના ‘થલાઇવા’ માટે ક્રેઝ જોવા મળી રહ્યો છે. દરેક વ્યકિત પોતાના સુપરસ્ટારની ફિલ્મ પહેલા શોમાં જોવા ઇચ્છતી હતી.

થિયેટરોની બહારનો નજારો જોવા લાયક હતો. રજનીના ચાહકો લાંબી લાઇનમાં ઊભેલા દેખાતા હતા. કેટલાયે રજની ફેન્સ સિનેમા હોલની બહાર અને અંદર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.ફિલ્મ ‘કબાલી’ની રિલીઝ બાદ એક વાર ફરી દેશ-વિદેશમાં રજનીના ચાહકોની દિવાનગી જોવા મળી.

તામિલનાડુમાં ચાહકોએ રજનીકાંતના પોસ્ટર પર દૂધનો અભિષેક કર્યો. મ‌લ્ટિપ્લેકસની બહારના રસ્તાઓનેે એવી રીતે સજાવાયા જેમ કે દિવાળી હોય. રજનીના ફેન્સનો ક્રેઝ આ પહેલી વખત જોવા મળ્યો નથી. આ અભિનેતાની દરેક ફિલ્મની રિલીઝ પહેલાં થિયેટરોની બહાર આવો જ નજારો જોવા મળે છે.

ફેસબુક લાઇવ પર ૪૦ મિનિટ ‘કાલા’ બતાવનાર યુવકની ધરપકડ
દર્શકોમાં રજનીકાંતની ફિલ્મ ‘કાલા’ના જબરદસ્ત ક્રેઝને જોતાં એક યુવકને ફિલ્મને ફેસબુક લાઇવ દ્વારા બતાવી. જે તેને ભારે પડી ગયું. સિંગાપોરમાં ‘કાલા’નો પ્રિમિયર શો રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન એક યુવકે ફેસબુક લાઇવ દ્વારા પોતાના ફ્રેન્ડસને ફિલ્મ બતાવવાની શરૂ કરી. લગભગ ૪૦ મિનિટ સુધી યુવક લાઇવ રહ્યો. ત્યાર બાદ તરત જ થિયેટર મેનેજમેન્ટને જાણ થઇ. આખરે આ યુવકની ધરપકડ થઇ.

વિવાદો છતાં પણ બધી ટિકિટ વેચાઇ ગઇ
તમામ વિવાદો છતાં પણ ફિલ્મ ‘કાલા’ માટે લોકોનો ક્રેઝ જેમનો તેમ છે. રજનીકાંતની આ ફિલ્મનો પહેલો શો સવારે ૪-૦૦ વાગ્યે રાખવામાં આવ્યો હતો. રિલીઝના પહેલા બે દિવસના તમામ શો સોલ્ડ આઉટ થઇ ગયા છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ ‌ટ્વિટર પર ફિલ્મનું સ્ક્રીનિંગ અને શોને લઇને અપડેટ શેર કરી રહ્યા છે.

કોચીની કંપનીમાં રજા જાહેર
‘કાલા’ની રિલીઝને જોતાં કોચીની એક આઇટી કંપનીએ પોતાના કર્મચારીઓ માટે રજા જાહેર કરી દીધી છે. કર્મચારીઓને લખેલા લેટરમાં કહેવાયું છે કે, ‘ડિયર ટીમ મેમ્બર્સ અમે તમારા માટે એક શાનદાર જાહેરાત કરી રહ્યા છીએ. દરેક વ્યકિતની રિકવેસ્ટ અને સુપરસ્ટાર રજનીકાંતના સન્માનમાં આપણી કંપની ૭ જૂનના રોજ રજા જાહેર કરી રહી છે. આ નિર્ણય ‘કાલા’ જોવા માટે તમારી સુવિધાને ધ્યાનમાં રાખીને લેવાયો છે.’

You might also like