હવે કાજોલ બનશે ‘ગાયિકા’, અજય પણ સાથ આપશે

ફિલ્મ ‘દિલવાલે’માં શાહરુખખાન તથા ‘વીઆઇપી-ર’માં સાઉથના સ્ટાર ધનુષ સાથે જોવા મળ્યા બાદ કાજોલ ખૂબ જ જલદી ફરી એક વાર રૂપેરી પરદે જોવા મળશે. તેના ફેન્સને ઘણા સમયથી રાહ હતી કે કાજોલ અને અજયની જોડી ફરી એક વાર સાથે જોવા મળે. હવે આ બંનેનો એકસાથે ફિલ્મમાં કામ કરવાનો ઇરાદો હોય તેમ લાગે છે.

આ ફિલ્મને પ્રદીપ સરકાર નિર્દેશિત કરી રહ્યા છે, જેનું નામ હાલમાં ‘ઇલા’ રખાયું છે. ફિલ્મમાં કાજોલ લીડ રોલમાં હશે અને શૂટિંગ ખૂબ જલદી શરૂ થશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ફિલ્મ ગુુજરાતી નાટક ‘બેટા કાગડો’ પર આધારિત હશે, જેમાં કાજોલ સિંગલ મધરની ભૂમિકા ભજવશે. ફિલ્મની કહાણી એક એવી છોકરીની છે, જેને બાળપણથી જ ગાયિકા બનવાનો શોખ હતો, પરંતુ તેનાં નાની ઉંમરમાં લગ્ન થઇ જતાં તેનું આ સપનું અધૂરું રહી ગયું. તેનાં લગ્ન થોડા જ સમય બાદ તૂટી જાય છે અને તે પોતાના બાળકને એકલા હાથે ઉછેરે છે. આ દરમિયાન તે બાળપણની પોતાની અભિલાષા ગાયિકી તરફ વળે છે.

કાજોલ અને શાહરુખની જોડી બોલિવૂડની સદાબહાર જોડીઓમાંની એક માનવામાં આવે છે. બંને ફરી એક વાર આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’માં એકસાથે જોવા મળશે. કાજોલ આ ફિલ્મમાં એક વિશેષ ભૂમિકા ભજવી રહી છે. તે માને છે કે શાહરુખ સાથે કામ કરવાનું તેને હંમેશાં ખાસ લાગે છે. આ બંનેની છેલ્લી ફિલ્મ ‘દિલવાલે’ હતી. •

You might also like