મજા મજામાં રપ વર્ષ થઈ ગયાંઃ કાજોલ

કાજોલે ૧૭ વર્ષની ઉંંમરે ફિલ્મ ‘બેખુદી’થી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ‘બાજીગર’, ‘કરણ અર્જુન’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘ગુપ્ત’, ‘ઇશ્ક’, ‘દુશ્મન’, ‘પ્યાર તો હોના હી થા’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘ફના’, ‘કભી ખુશી કભી ગમ’, ‘કભી અલવિદા ના કહેના’, ‘માયનેમ ઇઝ ખાન’ અને ‘દિલવાલે’ જેવી સુપરહિટ ફિલ્મો અાપી. તે ફિલ્મી દુનિયામાં રપ વર્ષ પૂરાં કરી ચૂકી છે. તેનાં લગ્નને ૧૮ વર્ષ પૂરાં થયાં છે અને તે બે બાળકોની માતા પણ છે. તે કહે છે, ફિલ્મોમાં કામ કરવાની મને હંમેશાં મજા જ આવી છે. મજા મજામાં રપ વર્ષ પૂરાં થઇ ગયાં. આજે હું જે મુકામ પર છું ત્યાં ખૂબ જ ખુશ છું.

અજય અને કાજોલે તેમનાં બાળકોને ફિલ્મી દુનિયાના ગ્લેમરથી દૂર રાખ્યાં છે. કાજોલ કહે છે, આ નિર્ણય અમે બંનેએ કર્યો હતો કે અમે અમારાં બાળકોને આ ઝાકઝમાળવાળી દુનિયાથી દૂર રાખીશું. હું અને અજય નહોતાં ઇચ્છતાં કે તેઓ નોર્મલ બાળકોની જેમ જિંદગી ન જીવી શકે. મારાં બાળકોને પણ એ ખ્યાલ છે જ કે તેમના પિતા એક્શન હીરો છે, પરંતુ ઘરે અમે માત્ર માતા-પિતા જ છીએ. બાળકોને આગળ જતાં જે વ્યવસાય પસંદ કરવો હશે તેની સંપૂર્ણ છૂટ હશે, પરંતુ જો મને અત્યારે કોઇ પૂછે કે તમારી દીકરી અભિનેત્રી બનશે તો મારે માત્ર એટલું જ કહેવું છે કે તે માત્ર ૧૪ વર્ષની છે અને શું તમે તમારાં બાળકોને આ ઉંમરમાં એવો સવાલ કરો છો? કાજોલ અને અજય સારી ‌િસ્ક્રપ્ટ મળશે તો સાથે કામ ચોક્કસ કરશે. કાજોલને અજ્યની ‘જખ્મ’, ‘લેજન્ડ ઓફ ભગતસિંહ’ અને ‘કંપની’ ફિલ્મ ખૂબ પસંદ છે.•

You might also like