કાજલનો સમય બળવાન

ફિલ્મ ‘ક્યૂં હો ગયા ના’થી વર્ષ ૨૦૦૪માં કાજલ અગ્રવાલે બોલિવૂડમાં ફ્લોપ શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં ઝંપલાવ્યું. ૨૦૧૦માં તેણે અજય દેવગણ સાથે ‘સિંઘમ’ ફિલ્મથી બોલિવૂડમાં કમબેક કર્યું. આ વખતે તેને સફળતા નસીબ થઇ અને ત્યાર બાદ તેની ફિલ્મ ‘સ્પેશિયલ છબ્બીસ’ હિટ થઇ. તેની તાજેતરની ફિલ્મ
‘દો લબ્ઝોં કી કહાની’ ફ્લોપ રહી તેમ છતાં પણ કાજલનો સમય હાલમાં બળવાન છે. બોલિવૂડ ઉપરાંત દક્ષિણમાં પણ એક પછી એક ફ્લોપ ફિલ્મ આપવા છતાં તે દક્ષિણની ફિલ્મોના સુપરસ્ટાર ચિરંજીવી સાથે જોવા મળશે.

પહેલી વાર ચિરંજીવી સાથે ફિલ્મ કરવા જઇ રહેલી કાજલ ખૂબ જ ઉત્સાહી છે. તે કહે છે કે મને મેગા સ્ટાર ચિરંજીવીની આગામી તેલુગુ ફિલ્મમાં નાયિકાના રૂપમાં પસંદ કરાઇ છે. ફિલ્મનું નામ હજુ નક્કી નથી, પરંતુ તે તામિલ હિટ ફિલ્મ ‘કથ્થી’ની રિમેક છે. કાજલ મૂળ ફિલ્મમાં સામંથા રુથ દ્વારા ભજવાયેલી ભૂમિકામાં જોવા મળશે. સૂત્રોએ જણાવ્યું કે ગયા અઠવાડિયા સુધી તો કાજલના નામની ચર્ચા ચાલતી હતી, પરંતુ તેના પર ફાઇનલ મહોર મારી દેવાઇ છે. તે ખૂબ જ ઉત્સાહી છે એટલું જ નહીં, આ ફિલ્મ માટે તેને બે કરોડ રૂપિયાની ભારે રકમ પણ ચૂકવવામાં આવશે. •

You might also like