હિન્દી અને અન્ય ફિલ્મો વચ્ચે બેલેન્સ કરવું છેઃ કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ અત્યાર સુધી માત્ર ત્રણ હિન્દી ફિલ્મોમાં દેખાઇ છે, પરંતુ લોકો તેને પસંદ કરી રહ્યા છે. મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તે લોકોની પસંદગી બની છે. તેણે અજય દેવગણ સાથે ‘સિંઘમ્’ ફિલ્મમાં કામ કર્યું ત્યાર બાદ તે અક્ષયકુમાર સાથે ‘સ્પેશિયલ છબ્બીસ’માં જોવા મળી. તેની ત્રીજી ફિલ્મ ‘દો લફ્ઝોં કી કહાની’ થોડા સમય પહેલાં પ્રદર્શિત થઇ, જેમાં તેની સાથે રણદીપ હૂડા હતો. આ ફિલ્મમાં તેણે નેત્રહીન યુવતીની ભૂમિકા ભજવી, જે ખૂબ પસંદ કરાઇ. તે કહે છે કે હું વધુ ને વધુ હિંદી ફિલ્મો કરવા ઇચ્છું છું, પરંતુ મારે દક્ષિણ ભારતીય અને બોલિવૂડની ફિલ્મો વચ્ચે સંતુલન જાળવવું પડશે.

કાજલનું કહેવું છે કે તે હિન્દી ફિલ્મોમાં કરિયરની ધીમી રફતાર માટે તૈયાર છે, કેમ કે તે અન્ય ભાષાઓમાં ફિલ્મ કરી રહી છે. હિન્દી ફિલ્મોમાં આટલા ગેપ માટે તે કહે છે કે હું તામિલ, તેલુગુ અને હિન્દી ત્રણેય સિનેમાની વચ્ચે સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ કરું છું, તેથી મારી કરિયર ધીમી હોય તે સ્વાભાવિક છે. કાજલ પોતાની બોલિવૂડ કાર‌િકર્દીથી ખુશ છે. તે કહે છે કે ભવિષ્યમાં હું વધુ ને વધુ હિન્દી ફિલ્મોમાં કામ કરવા ઇચ્છું છું. ઉલ્લેખનીય છે કે કાજલ અગ્રવાલ સાઉથ ઇન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે. તે ‘મગધીરા’, ‘ડાર્લિંગ’ અને ‘ટેમ્પર’ જેવી હિટ ફિલ્મો આપી ચૂકી છે. •

You might also like