કૈરાનામાં હિજરતી પરિવારોની યાદીનો બોમ્બ ફરી વાર ફૂટશે

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના કૈરાનામાંથી હિજરત કરી જનાર ૩૪૬ હિન્દુ પરિવારોની યાદી જાહેર કરીને વિવાદનો મધપૂડો છંછેડનાર કૈરાનાના સાંસદ હૂકુમસિંહ ફરી એક વખત હિજરતીઓની યાદીનો બોમ્બ ફોડવા તૈયાર છે. તેમણે બીજી એક વધુ યાદી જાહેર કરવાની ઘોષણા કરી છે. આ યાદી એ ૩૪૬ પરિવારોથી અલગ હશે. જેમાં કૈરાનાની સાથે આસપાસનાં ગામો અને ટાઉન્સમાંથી ઘર છોડી જનારા પરિવારોના નામો સામેલ હશે.

બીજી બાજુ જિલ્લા વહીવટી તંત્રએ અગાઉ જારી કરવામાં આવેલી હિજરતીઓની યાદીની સત્યતા ચકાસી હતી અને ત્યાર બાદ સાંસદના દાવાને ફગાવી દેવાયો હતો. જોકે વહીવટીતંત્રએ પણ જણાવ્યું છે કે નવ એવા પરિવારો છે જેઓ ગુનાહિત ઘટનાઓના કારણે કૈરાનાથી ઘર પરિવાર અને બિઝનેસ છોડીને ચાલ્યા ગયા છે.

બીજી બાજુ મુસ્લિમ યુવાનોએ જિલ્લા અધિકારીને ૪૦ નામોની વોર્ડદીઠ યાદી સુપરત કરીને જણાવ્યું છે કે રોજગાર અને અન્ય કારણોસર મુસ્લિમો પણ કૈરાનાના છોડીને અન્યત્ર સ્થળાંતર કરી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસદ સભ્ય હૂકુમસિંહે તાજેતરમાં એક યાદી જારી કરીને એવો દાવો કર્યો હતો કૈરાનાથી ૩૪૬ હિન્દુ પરિવાર છેલ્લા અઢી વર્ષમાં ગુનાહિત તત્ત્વોની દાદાગીરીને કારણે દહેશતના માર્યા કૈરાના છોડીને હિજરત કરી ગયા છે.

You might also like