કૈલાસ માનસરોવરની યાત્રા પહેલાં

કૈલાસ માનસરોવરની યાત્રા ઘણી અઘરી છે. આ અનુભવ બદરીનાથથી આગળ સ્વર્ગારોહણની અથવા મુક્તિધામની યાત્રા વખતે થઇ જાય છે. આ યાત્રામાં યાત્રાળુને આખો હિમાલય પાર કરવો પડે છે. લગભગ ત્રણ અઠવાડિયાં તિબેટમાં રહેવું પડે છે. કૈલાસ માનસરોવર, અમરનાથ, ગૌમુખ સ્વર્ગારોહણ જેવાં સ્થળ ૧ર૦૦૦ ફૂટ ઊંચે છે. હવા અહીં અત્યંત પાતળી હોય છે. તેથી ઓક્સિજન માસ્ક સાથે રાખવો જરૂરી છે.

કૈલાસ જવાનો માર્ગ કાશ્મીરથી લદાખ થઇને, નેપાળથી મુક્તિનાથ થઇને જવાનો, ડરમા થઇને જવાનો, ગંગોત્રી થઇને જવાનો છે. તીર્થયાત્રા માટે આ માર્ગ પસંદ કરાવો.

(૧) ટનકપુર રેલવે સ્ટેશનથી બસમાં અલ્મોડા (પિથોરાગઢ) જઇને ત્યાંથી પગપાળા લિપુ જવું.
(ર) કાઠગોદામ રેલવે સ્ટેશનથી બસમાં કપકોટ (અલ્મોડા) જઇને ત્યાંથી પગપાળા ઊટી, જયંતી, કુંગરી બિંડારીનો પહાડી રસ્તો પાર કરીને.
(૩) ઋષિકેશ રેલવે સ્ટેશનથી બસમાં જોશીમઠ થઇ પગપાળા નીતિનો પહાડી રસ્તો પાર કરવો. આ ત્રણેય રસ્તા સરળ છે. ભૂલા પડાતું નથી. રસોઇનો સામાન, વાસણો અહીં સરળતાથી મળે છે. જો કૂલી લીધો હોય તો તે આપણો માર્ગદર્શક બની જાય છે.

માર્ગ એક તથા બેમાં કૂલી તથા ઘોડા અમુક અંતર સુધી જ મળે છે. ત્યાર પછી કૂલી તથા ઘોડા બદલવા પડે છે. બાકીની વસ્તુ તિબેટમાંથી લઇશું તેવો વિચાર જ ન કરતા. તિબેટમાં મીઠું સિવાય કોઇ જાતના મસાલા મળતા નથી. દાળ તિબેટમાં ચડતી જ નથી. શાકભાજી પણ મળતાં નથી. લોટ તથા ચોખા ખૂબ મોંઘાં મળે છે. દૂધ, દહીં ક્યાંક ક્યાંક જ મળે છે. રહેવાની સગવડ મળતી જ નથી. તંબુમાં જ રહેવું પડે છે. જે જોઇએ તે બધું રસ્તામાંથી ભારતીય સીમામાંથી લઇ લેવું જોઇએ. તિબેટમાં જનારા યાત્રાળુ માટે રસોઇનાં સાધન ભાડેથી મળે છે. તંબૂ પણ ભાડે મળે છે.

તિબેટની ઠંડીથી બચવા ભારે તથા જાડા કામળા ભાડેથી મળે છે. કૈલાસ માનસરોવર જવા યાત્રાળુ ઉપર દર્શાવેલા ત્રણ માર્ગેથી ગમે તે માર્ગે જાય તેમણે પાસ કે પરમિટ લેવા પડતાં નથી.

ઘણા યાત્રાળુ કેમેરા, દૂરબીન, પુસ્તકો, પિસ્તોલ, તમંચો વગેરે લઇ જાય છે પરંતે તે બધું ભારતીય સીમામાં મૂકીને જ જવું પડે છે. અથવા પોસ્ટ પાર્સલ દ્વારા પોતાને ગામ કે ઘરે મોકલી દેવું જોઇએ. કારણ તમે તિબેટની સીમા પર જાવ છો ત્યારે ચીની સૈનિકો તમારી સંપૂર્ણ તલાશી લે છે. તે લોકો વહેમ પડે તેવું કાંઇ જ લઇ જવા દેતા નથી.

કૈલાસ માનસરોવરની યાત્રા વખતે જ્યાંથી બરફ પડવો શરૂ થાય છે ત્યાંથી દરરોજ સવારે અને સાંજે હાથે તથા શરીર ઉપર વેસેલાઇન ઘસતા રહેવું. જો તેમ ન કરીએ તો હાથ, ગાલ, પગ, નાકનો ભાગ ફાટી જાય છે.

દરરોજ સૂર્યોદયથી બની શકે તેટલા વહેલી યાત્રા શરૂ કરવી કારણ સૂર્યની ગરમીથી બરફીલો માર્ગ નરમ થવા માંડે છે. ચાલવામાં તકલીફ પડે છે. સૂર્યના કિરણ પડવાથી બરફ ચમકે છે. તે ચમક જોવાથી આંખને નુકસાન થાય છે. તે નુકસાન ન થાય તે માટે રંગીન ચશ્મા પહેરવાં જોઇએ.

વર્ષાઋતુમાં આ યાત્રા બહુ ક‌ઠિન થઇ જાય છે. આ યાત્રા જૂનની પહેલી તારીખથી ૧૦ તારીખ સુધીમાં કરવી. કૈલાસની પરિક્રમા ૩ર માઇલ લાંબી છે. જે તે યાત્રાળુ ત્રણ દિવસમાં કરી શકે છે. કૈલાસ પર્વતની આકૃતિ વિરાટ શિવલિંગ જેવી છે. તે મજબૂત અને કાળા પથ્થરની છે. તેની આજુબાજુ ૧૬ પર્વત કમળાકારે છે.
• શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like