કડી તાલુકા પંચાયતમાં ભાજપના ટેકાથી અપક્ષ મહિલા પ્રમુખ ચૂંટાયા

મહેસાણા : કડી તાલુકા પંચાયતના હોદ્દેદારોની આજે યોજવામાં આવેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે અપક્ષ સદસ્ય સપનાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભાજપના મીરસાબમીયાં સૈયદ ચૂંટાઈ આવતાં છેલ્લા કેટલાક સમયથી સર્જાયેલી અટકળોનો અંત આવ્યો હતો. કડી તાલુકા પંચાયતમાં ૩૦ પૈકી ભાજપના ૧૪, કોંગ્રેસના ૧૪ અને બે અપક્ષ સદસ્યો ચૂંટાઈ આવ્યા છે.

ગત તા. ૧૨-૧૨-૨૦૧૫ના રોજ યોજવામાં આવેલી હોદ્દેદારોની ચૂંટણીમાં ભાજપના એક મહિલા સદસ્યએ છેલ્લી ક્ષણોમાં કોંગ્રેસને સમર્થન જાહેર કરતાં ભારે હોબાળો મચી જતાં આ જનરલ સભાની કાર્યવાહી દરમ્યાન જ ભાજપ અને કોંગ્રેસના સદસ્યો બાખડતાં તેઓની વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. જેમાં ભાજપના સદસ્યને ઈજાઓ થતાં ચૂંટણી અધિકારીએ સમગ્ર જનરલ સભા માકૂફ રાખીને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ૫-૧-૨૦૧૬ના રોજ રાખવાની જાહેરાત કરી હતી.

જેના પગલે આજે કડી તાલુકા પંચાયતના હોલમાં કડક પોલીસ બંદોબસ્ત હેઠળ હોદ્દેદારોની ચૂંટણી યોજવામાં આવી હતી. ઠીક ૧૧ના ટકોરે પ્રાંત ઓફિસર અને ચૂંટણી અધિકારી પટેલની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવેલ જનરલ સભાના એકમાત્ર એજન્ડા મુજબ કડી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

જેમાં મતદાન થતાં કડી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મતદાન થતાં કડી તાલુકા પંચાયતના પ્રમુખ ભાજપ તરફથી સમર્થન કરાતાં અપક્ષ સદસ્ય સપનાબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે ભાજપના મીરસાબમીયાં સૈયદ ૧૬ વિરુધ્ધ ૧૪ મતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાં.

You might also like