VIDEO: ચૂંટણી ટિકિટ મુદ્દે કોંગ્રેસ MLA રમેશ ચાવડા પર ધમકી આપ્યાનો આક્ષેપ

મહેસાણાઃ કડીનાં કોંગ્રેસ MLA રમેશ ચાવડા વધુ એક વખત વિવાદમાં સપડાયા છે. રમેશ ચાવડાએ કડી શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો તેમનાં પર આક્ષેપ થયો છે. જેને લઈને રાજકીય ગરમાવો જોવાં મળી રહ્યો છે.

કડીનાં ધારાસભ્ય રમેશ ચાવડા એક પછી એક વિવાદોમાં સપડાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. તેવા સમયે તે વધુ એક વિવાદમાં સપડાયા છે. રમેશ ચાવડા પર કડી શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ રજનીકાંત ખમારને જાનથી મારી નાખવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપ અન્ય કોઈ નહીં પરંતુ ખુદ રજનીકાંત ખમારે કર્યો છે. રજની ખમારનો આક્ષેપ છે કે ટિકિટ મુદ્દે તેમને ધમકી આપવામાં આવી હતી. ત્યારે આપણે વિડીયોમાં સંભળાતી ઓડિયો ક્લિપને સાંભળીએ કે રમેશ ચાવડાએ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ રજનીકાંત ખમારને શું ધમકી આપી હતી.

રજનીકાંતનો આક્ષેપ છે કે ચૂંટણી નજીક આવતા અન્ય લોકોએ ટિકિટની માગણી કરતા રમેશ ચાવડાએ તેમને ધમકી આપી. ને સાથે એમ પણ જણાવ્યું આ અગાઉ પણ રમેશભાઈ પ્રવિણ પરમારને ધમકી આપી ચૂક્યા છે.

ચૂંટણી સમયે ટિકિટ માટે પડાપડી થાય તે સ્વાભાવિક છે. પરંતુ નેતાજી પોતાનું ભાન ભૂલીને જાનથી મારી નાખવાની ધમકી આપે તે કઈ રીતે સ્વીકારી શકાય. કોંગ્રેસનાં નેતાજી ભાન તો ભુલી ગયા અને ટિકિટ મુદ્દે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી દીધી. જેને લઈને કડી કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ઉભો થયો છે. ધારાસભ્ય છેલ્લા ઘણા સમયથી વિવાદમાં સપડાયા છે. તો બીજી તરફ સંગઠનનાં જ લોકો તેમની વિરૂદ્ધ આક્ષેપ કરતા કડી બેઠક જીતવી કોંગ્રેસ માટે અઘરી સાબિત થઈ શકે છે.

You might also like