બોલિવૂડના દિગ્ગજ અભિનેતા-સંવાદ લેખક કાદરખાનનું કેનેડામાં નિધન

નવી દિલ્હી: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને જબરદસ્ત ડાયલોગ રાઇટર કાદરખાનનું ૮૧ વર્ષની જૈફ વયે ગંભીર બીમારીને લઇને આજે નિધન થયું છે. તેમના પુત્ર સરફરાઝખાને તેમના નિધનની પુષ્ટિ કરી હતી. કેનેડાની એક હોસ્પિટલમાં કાદરખાને ૩૧ ડિસેમ્બરના રોજ કેનેડાના સમય મુજબ સાંજે ૪-૦૦ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા.

કાદરખાન છેલ્લા ઘણા સમયથી પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી ડિસઓર્ડર નામની ગંભીર બીમારીથી પીડાતા હતા. તાજેતરમાં કાદરખાનને આ ગંભીર બીમારીને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને રેગ્યુુલર વેન્ટિલેટર હટાવીને બાયપેપ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓ ઘણા સમયથી કેનેડામાં પોતાના પુત્ર સરફરાઝ અને વહુ શાયિસ્તા સાથે સ્થાયી થયા હતા.

કાદરખાને ૩૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો હતો અને રપ૦થી વધુ ફિલ્મોમાં ડાયલોગ લખ્યા હતા. પોતાના બુલંદ અવાજ અને ગજબનાક કોમિક ટાઇમિંગ માટે જાણીતા કાદરખાને કેટલીયે સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમની અને શક્તિકપૂર તેમજ ગોવિંદાની જોડીને પડદા પર લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.

કાદરખાનની હિટ ફિલ્મોમાં દરિયાદિલ, રાજાબાબુ, કુલી નં.૧, છોટે સરકાર, આંખે, તેરી પાયલ મેરે ગીત, આન્ટી નં.૧, હીરો નં.૧, રાજાજી, નસીબ, દિવાના મેં દિવાના, દુલ્હેરાજા, અખિયોં સે ગોલી મારેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે ધર્મવીર, ગંગા જમના સરસ્વતી, દેશપ્રેમી, સુહાગ, અમર અકબર એન્થોની, જ્વાલામુખી, શરાબી, લાવા‌િરસ, મુકદ્દર કા સિકંદર જેવી ફિલ્મોમાં જોરદાર ડાયલોગ લખ્યા હતા.

કાદરખાનનો જન્મ રર ઓકટોબર, ૧૯૩૭ના રોજ અફઘાનિસ્તાનના કાબુલમાં થયો હતો. તેમણે ૧૯૭૩માં દાગ ફિલ્મથી પોતાની અભિનય કારકિર્દી શરૂ કરી હતી, જેમાં રાજેશખન્નાની મુખ્ય ભૂમિકા હતી. આ ઉપરાંત તેઓએ રણબીર કપૂર અને જયા બચ્ચનની ફિલ્મ જવાની દીવાની માટે પણ સંવાદો લખ્યા હતા. એક પટકથા લેખક તરીકે કાદરખાને મનમોહન દેસાઇ અને પ્રકાશ મહેરા સાથે અનેક ફિલ્મોમાં ડાયલોગ લખ્યા હતા.

કાદરખાને પોતાના બાળપણમાં જિંદગીના અનેક ચડાવઉતાર જોયા હતા. કાદરખાનના પિતાએ તેમને અને તેમની માતાને તરછોડી દીધા હતા. કાદરખાન અને તેમની માતાને ગરીબી અને જિંદગીની મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. તેમણે પોતાના દમ પર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી હતી.

You might also like