કાબુલમાં US એમ્બેસી પાસે બોમ્બ હુમલામાં ચારનાં મોત

કાબુલ: અફઘાનિસ્તાનના પાટનગર કાબુલમાં આજે અમેરિકન દૂતાવાસ પાસે થયેલા એક આત્મઘાતી બોમ્બ હુમલામાં ચારનાં મોત થયાં હતાં અને ૨૨ ઘાયલ થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર એક આત્મઘાતી બોમ્બરે નાટોના કાફલાને નિશાન બનાવીને હુમલો કર્યો હતો.

અફઘાન અધિકારીઓના જણાવ્યા પ્રમાણે નાટોનાં વડપણ હેઠળ રેઝોલ્યુટ સપોર્ટ મિશનના સભ્યો જે બખ્તરબંધ વાહનમાં જઈ રહ્યા હતા તેના પર આ આત્મઘાતી બોમ્બરે હુમલો કર્યો હતો. કાબુલના એક ભરચક વિસ્તારમાં આજે સવારે નાટોના કાફલા પર બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. જાહેર આરોગ્ય વિભાગના અધિકારીઓએ કાબુલમાં જણાવ્યું હતું કે આ આત્મઘાતી હુમલામાં ચારનાં મોત થયાં હતાં અને ઓછામાં ઓછા ૨૨ ઘવાયા હતા.
આ આત્મઘાતી હુમલામાં કોઈ પણ વિદેશી ટીમના સભ્ય ઘાયલ થયા છે કે તે અંગે તાત્કાલિક કોઈ રિપોર્ટ મળ્યો નથી. જોકે ઘટના સ્થળે હાજર સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે આ એક આત્મઘાતી હુમલો હતો અને આ હુમલામાં નજીકનાં અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું અથવા નાશ પામ્યાં હતાં.

ગત સપ્તાહે વિદેશી દળોને નિશાન બનાવવાની તાલિબાનોની ધમકી બાદ આ હુમલો થયો હતો. ભારે બખ્તરબંધ વાહન કે જેમાં સંયુક્ત દળો પ્રવાસ કરી રહ્યાં હતાં તેને નજીવું બાહ્ય નુકસાન પહોંચ્યું હતું. કારણ કે આ વાહન સુરંગ અને બોમ્બ પ્રતિરોધક હતું. કાબુલમાં રેઝોલ્યુટ સપોર્ટ મિશન તરફથી તત્કાળ કોઈ પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી ન હતી.

http://sambhaavnews.com/

You might also like