સ્પોન્સર્સ માટે કબડ્ડી હોટ કેક સાબિત થઈ રહી છે

અમદાવાદઃ શહેરના ધ એરેના બાય ટ્રાન્સસ્ટેડિયામાં રમાઈ રહેલા કબડ્ડી વિશ્વ કપની બીજી સેમિફાઇનલમાં ગઈ કાલે જેવી આશા હતી તે પ્રમાણે જ બન્યું. યજમાન ભારતે થાઇલેન્ડને ૫૩ પોઇન્ટથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું. આસાન મુકાબલામાં ભારતે થાઇલેન્ડને ૭૩-૨૦થી માત આપીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો, આજે ફાઇનલમાં ભારતનો મુકાબલો ઈરાન સામે થશે. એક તરફ દેશમાં ધર્મની જેમ પૂજાતી વિદેશી રમત એવી ક્રિકેટ કે જે લોકોની નસેનસમાં વહી રહી છે, બીજી તરફ ભારતની પ્રાચીન રમતોની પરંપરાની વાહક એવી કબડ્ડીની રમત થોડા સમય પહેલાંથી સાવ વિસરાઈ ચૂકી હતી, પરંતુ હવે બદલાયેલા સમયે કબડ્ડીની રમતને ફરી એ સ્થાને લાવીને મૂકી દીધી છે, જ્યારે તે ક્રિકેટની રમતને પડકાર ફેંકતી નજરે પડી રહી છે.

ભારતમાં હાલ કબડ્ડીની રમતે સ્પોન્સર્સને બહુ જ આકર્ષિત કર્યા છે. સ્પોન્સર્સ દ્વારા ક્રિકેટમાં જ્યાં ૨૦૧૪માં રૂ. ૪૬૪.૭ કરોડની સરખામણીએ ૨૦૧૫માં ૫૨૯.૫ કરોડની રકમ આવી, ફૂટબોલમાં ૫૯.૫ કરોડની સરખામણીએ ૨૦૧૫માં ૧૧૪ કરોડ રૂપિયા આવ્યા, મેરેથોનમાં ૪૫ કરોડની સરખામણીએ ૬૯ કરોડ રૂપિયા આવ્યા, ટેનિસમાં ૩૫.૬ કરોડની સરખામણી ૪૭ કરોડની રકમ આવી, પરંતુ અસલ કમાલ તો કબડ્ડીની રમતમાં જોવા મળી. કબડ્ડીમાં ૨૦૧૪ના રૂ. ૧૨ કરોડની સરખામણીએ વર્ષ ૨૦૧૫માં રૂ. ૪૮ કરોડ રૂપિયા સ્પોન્સર્સ દ્વારા લગાવવામાં આવ્યા. અન્ય રમતોમાં ૧૭૮ કરોડથી વધીને રકમ રૂ. ૨૨૩ કરોડ સુધી પહોંચી ગઈ. આ આંકડા જાહેર કરે છે કે રમતોમાં ટકાવારીના હિસાબે સૌથી વધુ રકમનો વધારો કબડ્ડીની રમતમાં જોવા મળ્યો છે. ક્રિકેટ સાથે જો સરખામણી કરવામાં આવે તો વર્ષ ૨૦૧૪થી ૨૦૧૫ વચ્ચે સૌથી ઓછા ૧૩.૯ ટકાનો વધારો ક્રિકેટની રમતમાં થયો, જ્યારે કબડ્ડીમાં માની ન શકાય એવા ૩૦૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. રકમની દૃષ્ટિએ જોકે ક્રિકેટની ૫૩૯.૫ કરોડની સરખામણીએ કબડ્ડીની રકમ ૪૮ કરોડ સાવ નાની લાગે છે.

અલગ અલગ ક્ષેત્રની કંપનીઓની રમત પ્રત્યેની રુચિ જોતાં ટોચનાં પાંચ ક્ષેત્રની કંપનીઓની રુચિ પણ કબડ્ડીમાં વધુ જોવા મળી છે. મોબાઇલ હેન્ડસેટ કંપનીઓએ ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમમાં ૧૩.૫ ટકા રકમનું રોકાણ કર્યું, ટેલિકોમ કંપનીઓએ ૧૧ ટકા નાણાં લગાવ્યાં, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કંપનીઓએ ૧૦.૬ ટકા, જ્યારે રિયલ એસ્ટેટ કંપનીઓએ ૯.૭ ટકા નાણાં ખર્ચ્યાં. અન્ય કંપનીઓએ ૪૮.૫ ટકા નાણાં રમતની પાછળ ખર્ચ્યાં. ફૂટબોલની ઇન્ડિયન સુપર લીગમાં રિયલ એસ્ટેટ કંપનીઓએ સૌથી વધુ ૧૫.૨ ટકા બજેટ ખર્ચ્યું.

હવે પ્રો કબડ્ડી લીગમાં એફએમસીજી કંપનીઓએ સૌધી વધુ ૩૧.૬ ટકા નાણાં સ્પોન્સરશિપ પાછળ ખર્ચ્યાં. રિયલ એસ્ટેટ કંપનીઓ ૧૩.૮ ટકા સાથે બીજા સ્થાને રહી. નાણાકીય કંપનીઓએ ૧૦.૬ ટકા, જ્યારે ઊર્જા ક્ષેત્રની કંપનીઓએ ૯.૪ ટકા કબડ્ડીની સ્પોન્સરશિપ પાછળ ખર્ચ્યા. આ તમામ આંકડા રમતોના મેદાન પર હવાની બદલાઈ રહેલી દિશા દર્શાવે છે. ક્રિકેટની રમત તો પોતાનાં શિખર પર પહોંચી ચૂકી છે. હવે આગળ ક્રિકેટ માટેનો રસ્તો બિલકુલ સાંકડો બનતો જઈ રહ્યો છે અને સંભાવનાઓ ઓછી થતી જાય છે, પરંતુ કબડ્ડીની રમત માટે ખુલ્લું આકાશ છે. કબડ્ડી માટે સંભાવનાઓનાં દ્વાર ખૂલ્યાં છે. કદાચ એ દિવસ દૂર નહીં હોય કે જ્યારે દેશી રમત કબડ્ડી ઈંગ્લેન્ડથી આવેલી ક્રિકેટની રમતને પડકારશે અને ભારતમાં ક્રિકેટ સ્ટારના બદલે કોઈ કબડ્ડી સ્ટારનું નામ હશે.

થોડા સમય પહેલાં કબડ્ડીની રમતને કોઈ સ્પોન્સર મળતા નહોતા, પરંતુ હવે ભારતમાં વધી રહેલી લોકપ્રિયતાને કારણે આ રમતની સ્પોન્સરશિપ માટે કંપનીઓ પડાપડી કરી રહી છે.

You might also like