અશુભ યોગ છે વ્યતીપાત

જ્યોતિષશાસ્ત્રમાં ૨૭ યોગ દર્શાવાયા છે. જે આ પ્રમાણે દર્શાવાયા છે. વિષ્કુંભ, પ્રીતિ, આયુષ્યમાન, સૌભાગ્ય, શોભન, અતિગંડ, સુકર્મા, ધૃતિ, શૂળ, ગંડ, વૃદ્ધિ, ધ્રુવ, વ્યાઘાત, હર્ષણ, વ્રજ, સિદ્ધિ, વ્યતીપાત, વરિયાન, પરિઘ, શિવ, સિદ્ધ, સાધ્ય, શુભ, શુક્લ, બ્રહ્મ, ઐંદ્ર, વૈદ્યૃતિ.

આ ૨૭ યોગમાં ૧૭મો યોગ વ્યતીપાત છે. ૨૭મો યોગ વૈદ્યૃતિ છે. આ બંને યોગ જ્યોતિષીઓને મતે અશુભ છે. તેથી તેમનો શુભ કર્મોમાં સદંતર ત્યાગ કરવો. પરિઘ યોગનો પૂર્વાર્ધ, વિષ્કુંભ અને વજ્રની પહેલાંની ત્રણ ઘડી, વ્યાઘાતની પહેલી નવ ઘડી, શૂળની પહેલી પાંચ ઘડી, ગંડ યોગની ત્રણ ઘડી તથા અતિગંડની પહેલી છ ઘડી શુભ કામમાં ત્યાગવી. કેટલાક વજ્રની પહેલાની નવ ઘડી ત્યાગવાનુંં કહે છે. વ્યતીપાત અને વૈદ્યૃતિ ચંદ્ર સૂર્યના ક્રાંતિ સામ્યથી ઉત્પન્ન થતા યોગ છે.

પૂજન: વ્યતીપાતમાં પંચગવ્યથી નદીમાં સ્નાન કરવું. કાંઈ જ ખાધા વગર ઉપવાસ કરવો. વ્યતીપાતને વારંવાર નમસ્કાર કરવા. સાકરથી ભરેલા ઘડા ઉપર તાંબાનું પાત્ર ઢાંકવું. તેમાં સોના, ચાંદી કે તાંબાના પતરાની વ્યતીપાતની મૂર્તિ મૂકવી. તેનું ષોડ્શોપચારે પૂજન કરવું. શક્ય હોય તો ગાય તથા સોનાનું બ્રાહ્મણને દાન કરવું. આવું દાન કરનાર પુણ્યાત્માની સેવા દેવતા પણ કરે છે. તેમની ચાકરી અપ્સરાઓ કરે છે. આવા પુણ્યાત્મા મૃત્યુ પછી રત્નજડિત સુવર્ણના વિમાનમાં સૂર્યલોકમાં જઈ વસે છે.

કથા: નવ ગ્રહમાં જેમની ગણના થાય છે તે સૂર્ય તથા ચંદ્ર પરમ મિત્ર છે. એક વખતની વાત છે. દેવગુરુ બૃહસ્પતિની પત્ની તારા ચંદ્ર પ્રત્યે આકર્ષાઈ. ચંદ્ર તો ચંદ્ર જ છે. તેના જેવું સુંદર નભોમંડળમાં બીજું કોઈ નથી. તો સામા પક્ષે દેવગુરુ બૃહસ્પતિની પત્ની તારા આગળ તો સ્વર્ગની અપ્સરાઓ જેવી કે તિલોત્તમા, ધૃતાચિ, રંભા, મેનકા, મંદા એકદમ ઝાંખી પડી જાય. રંગીલો સ્વભાવ ધરાવતા ચંદ્રમાએ તારાને પોતાની બનાવી. આ વાત જાણી સૂર્યે ચંદ્રમાને તારાને છોડી દેવા જણાવ્યું. ચંદ્રને આ વાત ન ગમી. તેમણે કૃદ્ધ નજરે સૂર્ય તરફ જોયું. સૂર્યે પણ વક્ર દૃષ્ટિથી ચંદ્ર તરફ જોયું. બંનેની આંખમાંથી ભયંકર તેજ નીકળ્યું. તેમાંથી એક ભયંકર પુરુષ ઉત્પન્ન થયો. તેનું મોં ખુલ્લું, વાળ દબાયેલા, દાંત વાંકાચૂકા, દાઢી, વાળ, મૂંછ પીળાં, જીભ લાંબી, પેટ પાતળું, આઠ આંખ, ચાર મોં, અઢાર હાથ, દેખાવ સૂર્ય ચંદ્ર જેવો. આકાર યમદેવ જેવો.

તે ઉત્પન્ન થતાં જ તેણે જગતને ખાવા માંડ્યું. જગત નાશ થતાં સૂર્ય ચંદ્રે તેને રોક્યો. તે પુરુષ બંનેને પ્રણામ કરી પૂછ્યું કે મને બહુ ભૂખ લાગી છે. મારે ખાવું શું? મારો ક્રોધ અને ભૂખ મને જ ખાવા દોડે છે. હું શું ખાંઉ? સૂર્ય ચંદ્રે તેને કહ્યું કે, ‘હે પુત્ર તું અમારા તેજમાંથી ઉત્પન્ન થયો છે તું ૨૭ યોગનો અધિપતિ. તારું નામ વ્યતીપાત. તારા યોગમાં મનુષ્ય ધર્મ કે શુભ કાર્ય નહીં કરે. પણ દાન પુણ્ય કરશે. તે બધું થશે અક્ષય. તારે જો ખાવું જ હોય તો પાપીઓને ખા. વ્યતીપાતમાં પાપી તથા અધર્મી વધુ મરે છે. પુણ્યાત્મા કદી વ્યતીપાતમાં મરતા જ નથી. શુભ ઇચ્છનાર સ્ત્રી પુરુષે વ્યતીપાતમાં શક્ય એટલાં દાન પુણ્ય કરવાં. આ દાન પુણ્ય વ્યતીપાત ખાય છે. જે મનુષ્ય સ્નાન, દાન, પુણ્ય કરે છે તેને ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય વ્યતીપાતનું પૂજન કરે છે. તે ખૂબ રૂપાળા બીજા જન્મમાં થાય છે. તેને પુત્ર, પૌત્ર, ધન, ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. •શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like