રાજ્યસભામાં જુવેનાઇલ જસ્ટિસ બિલ પાસ: સગીરની વય ૧૮થી ઘટાડી ૧૬ વર્ષ કરાઈ

નવી દિલ્હી: કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી મેનકા ગાંધી દ્વારા રાજ્ય સભામાં રજુ કરવામાં આવેલા જુવેનાઈલ જસ્ટીસ બિલને છેવટે રાજ્યસભાએ મંજૂરી આપી છે. નિર્ભયા કેસનો જુવેનાઈલ આરોપી નવા કડક કાયદાના અભાવે છુટી ગયા બાદ રાજ્ય સભા પર વધેલા દબાણ વચ્ચે કોંગ્રેસ, ટીએમસી, ટીડીપી, શિવસેના જેવા પક્ષોએ આ બિલને સમર્થન આપ્યું હતું.

જુવેનાઈલની ઉંમર ૧૮થી ઘટાડી ૧૬ વર્ષ કરતા આ બિલ સામે જેડીયુ, ભારતીય નેશનલ લોકદળ અને સીપીએમ જેવા પક્ષોએ આ બિલનો વિરોધ કર્યો હતો. રાજ્યસભામાં આજે બિલની ચર્ચા દરમિયાન નિર્ભયાના માતા-પિતા હાજર હતા. જુવેનાઈલ જસ્ટીસ બિલ હવે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવશે.

આજે દિવસ દરમિયાન બિલની ચર્ચામાં તમામ સભ્યોના પોતાના વિચારો રજૂ કર્યા હતા. ટીએમસીના એક નેતાએ ત્યાં સુધી કહી નાખ્યું હતું કે આવો ગુનો તેમની પુત્રી સાથે થયો હોત તો તેમણે જે તે ગુનેગારને મારી નાખ્યો હોત. સીપીઆઈએ આ બિલ સંસદની સિલેક્ટ કમિટીને સોંપવાનો પ્રસ્તાવ રાખ્યો હતો જે અમાન્ય રહેતા સીપીઆઈના સભ્યો વોકઆઉટ કરી ગયા હતા.

બિલ પર મતદાન પહેલા સીપીઆઈના મહાસચિવ યેચૂરીએ કહ્યું હતું કે નિર્ભયાના દોષી સગીર આરોપીને ફરી સજા ન કરી શકાય. હવે પછી જો કોઈ ૧૪ વર્ષનો સગીર આવી ધ્રુણિત પ્રવૃત્તિ કરે તો શું તે વખતે આપણે જુવેનાઈલની વય ૧૬થી ઘટાડી ૧૪ વર્ષ કરીશું. ગૃહમાં બિલની ચર્ચા બાદ મેનકા ગાંધીએ ચર્ચાનો જવાબ આપ્યો હતો.

જુવેનાઈલ બિલમાં સામેલ કરાયેલા ગંભીર ગુનાઓની શ્રેણીમાં બળાત્કાર, એસિડ ફેંકવો કે હત્યા જેવા ગંભીર મામલા ઉપરાંત અન્ય પાંચ ગુનાઓને પણ સામેલ કરાયા છે. બિલની ચર્ચા દરમિયાન ડીએમકેના નેતા કની મોઝી અને અન્ય કેટલાક સાંસદોએ વર્તમાન કાયદાને બદલવાના બદલે બીજા વિકલ્પો ઉપર વિચારવા સૂચન કર્યું હતું. નિર્ભયાના માતા-પિતા કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી, કેન્દ્રીય મંત્રીઓ સુષમા સ્વરાજ, મુખ્તાર અબ્બાસ નકવી અને અન્યોને મળ્યા હતા.

લોકસભામાં પસાર થઈ ચૂકેલું જુવેનાઈલ જસ્ટીસ બિલ રાજ્યસભામાં સરકાર પાસે બહુમતી ન હોવાથી અટકેલું હતું અને જે રીતે નિર્ભયા કેસનાં દોષિત ગુનેગારોની મુક્તિને સુપ્રીમ કોર્ટ સુદ્ધાં ન અટકાવી શકી, તે જોતાં સમગ્ર દેશમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. નિર્ભયાનાં માતા-પિતાએ તો ત્યાં સુદી કહી દીધું હતું કે ૧૮ વર્ષથી નાનાં સગીરોને કોઈ પણ ગુનો કરવાનું લાયસન્સ મળી ગયું છે કે તેમને ત્રણ વર્ષની સજા થશે.

નોંધનીય છે કે હાલનાં જુવેનાઈલ જસ્ટીસ એક્ટ મુજબ ૧૮ વર્ષથી ઓછી વયનાં કોઈ પણ ગુનેગારને ૩ વર્ષથી વધુની સજા ન થઈ શકે અને એટલે નિર્ભયાનો સગીર ગુનેદાર મુક્ત થઈ ગયો હતો જે હાલમાં ૨૦ વર્ષનો થઈ ચૂક્યો છે. તે ગુના વખતે સગીર હતો.ચારેબાજુથી દબાણ ઉભું થતાં રાજ્યસભામાં આજે આ બિલ પર શાંતિપૂર્વક ચર્ચા શરૂ કરવામાં આવી હતી.

સભ્યોએ પક્ષીય મતભેદોને બાજુએ મૂકીને એવી સહમતિ દર્શાવી હતી કે આ મહત્ત્વના કાયદાને તાત્કાલિક અપનાવવો જોઈએ. ચર્ચામાં કોંગ્રેસના નેતા આનંદ શર્માએ કહ્યું કે, વિચારોની ક્રાંતિ સર્જવાનો સમય આવી ગયો છે. આપણે જનતાના માનસ સુધી પહોંચવાની જરૂર છે.

You might also like