OBC વર્ગીકરણ પંચની રચનાઃ અધ્યક્ષ બનતાં જસ્ટિસ રોહિણી

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અન્ય પછાતવર્ગ (ઓબીસી)ના ઉપવર્ગીકરણની વ્યવહારિતાની તપાસ કરવા માટે ગઈ કાલે એક પંચની રચના કરી છે, જેમાં દિલ્હી હાઈકોર્ટનાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ જી. રોહિણીને પાંચ સભ્યવાળા ઓબીસી ઉપવર્ગીકરણ પંચનાં અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યાં છે.

પછાતવર્ગ પંચ લાંબા સમયથી અનામતનો લાભ તમામ જાતિઓ સુધી પહોંચાડવા માટે પછાતવર્ગની જાતિઓને ઉપવર્ગમાં વહેંચવા ભલામણ કરતો આવ્યો છે તેને ધ્યાનમાં લઈ કેન્દ્રીય કેબિનેટે ગત ૨૩ ઓગસ્ટે ઓબીસીની કેન્દ્રીય યાદીના વર્ગીકરણ માટે પંચ બનાવવાના નિર્ણયને મંજૂરી આપી હતી. આ અંગે સામાજિક ન્યાય અને અધિકા‌િરતા મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા એક નિવેદનમાં જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિએ બંધારણની કલમ- ૩૪૦ હેઠળ આપવામાં આ‍વેલી સત્તા અંતર્ગત આ પંચની રચના કરી છે.

પંચમાં જસ્ટિસ રોહિણી ઉપરાંત સમાજની‌િત સમીક્ષણ કેન્દ્રના વડા ડો. જે. કે. બજાજને પણ સભ્ય બનાવવામાં આવ્યા છે, જ્યારે ભારતીય માનવ વિજ્ઞાન સર્વેક્ષણના વડા તથા મહારજિસ્ટ્રાર અને વસતીગણતરી કમિશનરને હોદેદાર સભ્ય તરીકે નિમવામાં આવ્યા છે. આ ઉપરાંત પાંચમા સભ્ય તરીકે સામાજિક અને અધિકા‌િરતા વિભાગના સંયુકત સચિવ પંચના સચિવ તરીકે રહેશે.

જસ્ટિસ રોહિણીની અધ્યક્ષતાવાળું આ પંચ ઓબીસીના વર્ગીકરણ પર વિચારણા કરશે અને અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદના ૧૨ સપ્તાહમાં તે તેમનો અહેવાલ રાષ્ટ્રપતિને આપશે તેમજ પંચની ભલામણ બાદ કેન્દ્ર સરકાર એ નક્કી કરશે કે અનામતનો લાભ અન્ય પછાતવર્ગની તમામ જાતિઓ સુધી સમાન રીતે પહોંચી શકે.

You might also like