જસ્ટિસ મુદ્ગલ ફિફા સંચાલન સમિતિના ડેપ્યુટી ચેરમેન

નવી દિલ્હીઃ ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફિફાએ જસ્ટિસ મુકુલ મુદ્ગલને પોતાની સંચાલન સમિતિના ડેપ્યુટી ચેરમેન બનાવ્યા છે. આ વાતને ભારતીય ફૂટબોલ અને ન્યાયતંત્ર માટે મોટી ઉપબલ્ધિ માનવામાં આવી રહી છે.

આઇપીએલ સ્પોટ ફિક્સિંગ મામલાની તપાસ સમિતિના પ્રમુખ રહેલા પંજાબ અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ મુદ્ગલે જણાવ્યું, ”મૈં આ જાણકારી વેબસાઇટ પર જોઈ છે, પરંતુ હજુ સુધી મને તેમના તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. હું સન્માનની લાગણી અનુભવી રહ્યો છું. ભારતીય ન્યાયતંત્ર માટે આ બહુ જ મોટી વાત છે.” મુદ્ગલે સંકેત આપ્યો છે કે તેઓ ફિફાની આ દરખાસ્તનો સ્વીકાર કરી લેશે. દિલ્હી અને જિલ્લા ક્રિકેટ સંઘ સાથે મુદ્ગલનો કરાર ૨૭ મેએ યોજાનાર બીજી ક્વોલિફાયર મેચ સાથે પૂરો થઈ જશે.

તાજેતરમાં જ જસ્ટિસ મુદ્ગલને આ કામ માટે એશિયન ફૂટબોલ સંઘમાં સામેલ કરવામાં આવ્યા હતા. યુરોપિયન કોર્ટ ઓફ જસ્ટિસના ભૂતપૂર્વ એડ્વોકેટ જનરલ પોર્ટુગલના લૂઇસ મિગુએલ માદુરો ફિફાની સંચાલન સમિતિના અધ્યક્ષ છે. મુદ્ગલ અને માદુરો ફિફાની આંતરરાષ્ટ્રીય સમીક્ષા સમિતિના પણ અધ્યક્ષ હશે, જેઓ બધા મહત્ત્વપૂર્ણ નિર્ણયોનું અવલોકન અને જરૂરી સુધારાઓ કરશે.

You might also like