જસ્ટિસ ચેલમેશ્વર આજે નિવૃત્ત થશેઃ કોલેજિયમમાં મોટો બદલાવ આવશે

નવી દિલ્હી: ભારતના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધ બગાવત કરીને પ્રેસ કોન્ફરન્સ કરનાર સુપ્રીમ કોર્ટના વરિષ્ઠતમ ન્યાયમૂર્તિઓનું નેતૃત્વ કરનાર જસ્ટિસ જે. ચેલમેશ્વર આજે સુપ્રીમ કોર્ટમાં સાત વર્ષ સુધી ફરજ બજાવ્યા બાદ નિવૃત્ત થઈ રહ્યા છે.

જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એમ.બી. લોકુર અને જસ્ટિસ કુરિયન જોસેફની સાથે મળીને જસ્ટિસ ચેલમેશ્વરે સ્પેશિયલ સીબીઆઈ કોર્ટના ન્યાયાધીશ બી.એચ. લોયાનાં રહસ્યમય મોતનો સંવેદનશીલ મામલા સહિત કેટલાક કેસોની ચુનંદી બેન્ચોને ફાળવવાની મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાની કાર્યપદ્ધતિ સામે સવાલો ઉઠાવ્યા હતા.

આજે જસ્ટિસ જે. ચેલમેશ્વરની નિવૃત્તિ બાદ સુપ્રીમ કોર્ટની કોલેજિયમમાં પણ મોટા ફેરફાર જોવા મળશે. નિવૃત્ત થતાંની સાથે જસ્ટિસ જે. ચેલમેશ્વર કોલેજિયમમાંથી આઉટ થઈ જશે અને તેમનું સ્થાન જસ્ટિસ એ. કે. સિક્રી લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧૨ જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ટતમ જજ દ્વારા પત્રકાર પરિષદ બોલાવવાની ઘટના સુપ્રીમ કોર્ટના ઈતિહાસમાં પ્રથમવાર ઘટી હતી અને તેના કારણે ન્યાયતંત્રમાં હલચલ મચી ગઈ હતી.

જસ્ટિસ જે. ચેલમેશ્વરે એ વખતે પોતાની જલદ ટિપ્પણી અને વિધાનોમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં જે કંઈ બન્યું છે તે ઈચ્છનીય નથી. તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટમાં સંરક્ષણ અને સંતુલન સ્થાપિત નહીં થાય ત્યાં સુધી દેશમાં લોકતંત્ર સ્થાયી જોવા મળશે નહીં. સારા લોકતંત્રની ઓળખ નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયમૂર્તિઓ હોય છે.

નિવૃત્તિ પહેલાં પોતાના આખરી િદવસે જસ્ટિસ જે. ચેલમેશ્વરે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ સાથે બેઠક કરી હતી અને બંને વચ્ચે ૨૫ મિનિટ સુધી ચર્ચા થઈ હતી. જસ્ટિસ જે. ચેલમેશ્વર આવતી કાલે ૬૫ વર્ષના થશે. જસ્ટિસ જે. ચેલમેશ્વરનો નવ ન્યાયમૂર્તિઓની એ બેન્ચમાં સમાવેશ થતો હતો.

જે બેન્ચે ઐતિહાસિક નિર્ણયમાં પ્રાઈવસીના અધિકારને મૂળભૂત અધિકાર જાહેર કર્યો હતો. જસ્ટિસ જે. ચેલમેશ્વર એ પાંચ ન્યાયમૂર્તિઓની બેન્ચના સભ્ય હતા. જે બેન્ચે વડી અદાલતોમાં નિમણૂક સંબંધિત રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગને રદ બાતલ ઠરાવ્યું હતું.

You might also like