જસ્ટિસ દીપક મિશ્રા દેશના ૪પમા મુખ્ય ન્યાયમૂર્તિ બન્યા

નવી દિલ્હી: જસ્ટિસ દીપક મિશ્રા દેશના ૪પમા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે (સીજેઆઇ) આજે શપથ ગ્રહણ કર્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમને આજે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ દીપક મિશ્રા મુખ્ય ન્યાયમૂર્તિ જગદીશસિંહ ખેહરના અનુગામી બન્યા છે. તેમના શપથગ્રહણ સમારોહમાં રાજકીય અનેે કાયદા ક્ષેત્રના મહાનુભાવો હાજર રહ્યા હતા. ખેહર ગઇ કાલે નિવૃત્ત થઇ ગયા હતા. જસ્ટિસ દીપક મિશ્રાનો કાર્યકાળ ર ઓકટોબર ર૦૧૮ સુધીનો રહેશેે. જસ્ટિસ દીપક મિશ્રાએ અનેક મહત્ત્વના ઐતિહાસિક ચુકાદા આપ્યા છે.

આઝાદ ભારતમાં પ્રથમ વાર સુપ્રીમ કોર્ટ જ્યારે રાત્રે યોજાઇ હતી ત્યારે જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાનીમાં બેન્ચે મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસના આરોપી યાકુબ મેમણની અરજીને ફગાવી દઇને તેની ફાંસી પર મંજૂરીની મહોર મારી હતી. આ ઉપરાંત સિનેમા ગૃહોમાં રાષ્ટ્રગીત વગાડવાનો આદેશ, દિલ્હી નિર્ભયા બળાત્કાર કાંડના અપરાધીઓને મોતની સજા આપવાનો આદેશ જેવા મહત્ત્વના ચુકાદાઓ તેમણે આપ્યા છે. જ્યારે જસ્ટિસ ખેહરે એનજેએસઇને રદ કરવા ઉપરાંત ટ્રિપલ તલાક અને રાઇટ ટુ પ્રાઇવસીના ચુકાદા આપ્યા હતા.

જસ્ટિસ દીપક મિશ્રાનો જન્મ ૩ ઓકટોબર ૧૯પ૩ના રોજ ઓરિસામાં થયો હતો. આ અગાઉ જસ્ટિસ રંગનાથ મિશ્રા અને જસ્ટિસ ગોપાલ વલ્લભ પટનાયક પણ ઓરિસાના હતા. જસ્ટિસ દીપક મિશ્રા ઓરિસા હાઇકોર્ટમાં એ‌ડિશનલ જજ તરીકે કામ કરી ચૂકયા છે. તેઓ મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં પણ જજ હતા અને ર૪ મે ર૦૧૦થી દિલ્હી હાઇકોર્ટના ચીફ જજ બન્યા હતા. ૧૦ ઓકટોબર ર૦૧૧ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે બઢતી પામ્યા હતા.

You might also like