જીવાનો ડિપ્લોમેટિક જવાબઃ ‘તમે બધાં જ સારાં છો…!’

રાંચીઃ ટીમ ઇન્ડિયાનાે ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલ પોતાના હોમટાઉનમાં પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યો છે. માહીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં હંમેશની જેમ તે પુત્રી જીવા સાથે ગમ્મત કરતો નજરે પડી રહ્યો છે.

વીડિયોમાં સાક્ષી પૂછે છે, ”જીવા, પપ્પા સારા છે કે ખરાબ?” તરત જ સાક્ષીને જવાબ મળે છે, ”તમે બધાં જ સારાં છો.” માસૂમ જીવા આ જવાબ વારંવાર આપતી રહે છે, જોકે સાક્ષી આ વીડિયોમાં નજરે પડતી નથી.

પિતા એમ. એસ. ધોની પુત્રી સાથે ગમત કરતો જોવા મળી રહ્યો છે, જ્યારે ક્યૂટ જીવા પણ ધોની સાથે રમવામાં મજાક-મસ્તી કરવામાં મશગૂલ છે. આશ્ચર્યની વાત એ છે કે ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં ૧૭ લાખથી વધુ લોકો નિહાળી ચૂક્યા છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વન ડે શ્રેણી ગત ૧૭ જુલાઈએ પૂરી થયા બાદ ધોની પોતાના ફેમિલી સાથે સમય વિતાવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ધોની ટેસ્ટ ક્રિકેટને ૨૦૧૪માં જ અલવિદા કહી ચૂક્યો છે. તે હવે ફક્ત વન ડે અને ટી-૨૦ ફોર્મેટમાં જ ટીમ ઇન્ડિયા તરફથી રમે છે.

ભારતીય ટીમ હાલ ઈંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ શ્રેણી ૧૧ સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. ત્યાર બાદ દુબઈમાં એશિયા કપ રમાવાનો છે. ૧૯ સપ્ટેમ્બરે એશિયા કપની સૌથી મહત્ત્વપૂર્ણ મેચ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. આથી જ ધોની પોતાના ફેમિલી સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યો છે.

ટી-૨૦ અને વન ડે શ્રેણી રમ્યા બાદ ઈંગ્લેન્ડથી પાછો ફરેલો ધોની પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે મુંબઈમાં રોકાયો હતો, જ્યાં તેણે સાક્ષીની બેસ્ટ ફ્રેન્ડ પૂર્ણા પટેલનાં લગ્નમાં ભાગ લીધો હતો. ત્યાર બાદ તે પોતાના હોમટાઉન રાંચી પાછો ફર્યો હતો.

You might also like