અસલાલી પોલીસ સ્ટેશનની વાન પલટી જતાં જવાનનું મોત

અમદાવાદ: અમદાવાદ ગ્રામ્ય પોલીસના અસલાલી પોલીસ સ્ટેશનની વાન પલટી જતાં ગ્રામરક્ષક દળના જવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. રવિવારે મોડી રાત્રે બાકરોલ સર્કલ નજીક મહિલા એએસઆઇ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે કોઇ જાનવર અચાનક વચ્ચે આવી જતાં ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો અને વાન રોડ પરથી નીચે ઊતરી પલટી ગઇ હતી. અસલાલી પોલીસે વાનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અસલાલી પોલીસ સ્ટેશનના મહિલા એએસઆઇ દિપ્તીબહેન મોબાઇલ-ર વાનના ડ્રાઇવર પ્રવીણભાઇ કરમશીભાઇ દેસાઇ, હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના જવાન મહેશભાઇ ભોઇ (રહે.જેતલપુર) રવિવારે રાત્રે મોબાઇલ-ર વાનમાં પેટ્રોલિંગમાં નીકળ્યાં હતાં. મોડી રાતના ર.૧પ વાગ્યાની આસપાસ તેઓ સરદાર પટેલ રીંગ રોડ પર બાકરોલ સર્કલ નજીક પહોંચ્યાં ત્યાં કોઇ જાનવર પોલીસ વાનની સામે આવી ગયું હતું.

જાનવરને બચાવવા જતાં ડ્રાઇવર પ્રવીણભાઇએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને વાન રોડ પરથી નીચે ઊતરી પલટી ગઇ હતી. વાનમાં બેઠેલા ગ્રામરક્ષક દળના મહેશભાઇ ભોઇનું શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ પોલીસકર્મીઓને ઇજાઓ થઇ હતી.

ઘટના બનતાં લોકો પણ દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત પોલીસકર્મીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની જાણ અસલાલી પોલીસને કરાતાં પોલીસ પણ દોડી આવી હતી. ચાલક પ્રવીણભાઇ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

You might also like