દિલ્હીમાં કોઇ બોસ નહી કામ માત્ર ભાઇચારાથી જ ચાલે છે : જંગ

નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટે ગુરૂવારે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારની વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધનો અંત આણ્યો હતો. કોર્ટે દિલ્હી સરકારનાં પ્રતિપક્ષમાં ચુકાદો આપતા કહ્યું કે, દિલ્હીમાં પોલીસ, કાયદો વ્યવસ્થા અને જમીન અંગેના મુદ્દે અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારનો જ રહેશે. કોર્ટનાં ચુકાદા બાદ જંગે એક ચેનલને મુલાકાત આપી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કામ દાદાગીરીથી નહી પરંતુ ભાઇચારાથી થાય છે.

નજીબ જંગે જણાવ્યું કે ચુકાદો આવવા છતા કોઇ બોસ નથી કે કોઇ કામદાર નથી અહીં ભાઇચારા દ્વારા જ કામ ચાલે છે કારણ કે અંતે તો આપણે જનતાનું ભલુ કરવાનું છે. અહીં કોઇ રાજા મહારાજા નથી. આપણે સૌએ સંવિધાન અનુસાર કામગીરી બજાવવાની છે અને જનતાની સેવા કરવાની છે. જો વિજય થયો જ છે તો તે સંવિધાનનો થયો છે. એ કહેવું ખોટું છે કે મારો અથવા કેન્દ્ર સરકારનો વિજય છે. અથવા તો કેજરીવાલની હાર છે તે સદંતર ખોટી બાબત છે. અમારૂ કોઇ અસ્તિત્વ નથી.

પેન્ડિંગ બિલ અંગે તેમણે જણાવ્યું કે બિલ પાસ કરવાની સત્તા મારી પાસે નથી. બિલ પાસ કરાવવા માટે તેમણે પહેલા મુસદ્દો કેન્દ્ર સરકાર પાસે મોકલવો જોઇએ. જે બિલ કેન્દ્રને નથી આપવામાં આવ્યા તેને ફરીથી તેની સ્વિકૃતી માટે મોકલવામાં આવ્યા. મંત્રાલય દ્વારા બિલોનું પરિક્ષણ ચાલી રહ્યું છે. જ્યારે તે કામ પુરૂ થઇ જશે તો તે પાછા આવશે. ત્યાર બાદ તેઓ વિધાનસભામાં પાસ કરાવી શકે છે.

You might also like