જૂનમાં સોનાની આયાત ૪૦ ટનની જ રહેવાનું અનુમાન

અમદાવાદ: દેશમાં મે મહિના સુધીમાં સોનાની આયાત ૧૨૨ ટનની સપાટીએ પહોંચી ગઇ છે, જે માર્ચ ૨૦૧૫ બાદ સૌથી ઊંચી સપાટીએ જોવા મળી છે, જ્યારે ડોલરના સ્વરૂપમાં ૪૯૫ કરોડ ડોલરની નજીક આયાત પહોંચી ગઇ છે. બુલિયન બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે જૂન મહિનામાં સોનાની આયાત ૪૦ ટનની સપાટીએ રહેવાનું અનુમાન છે. સોના પર પાંચ ટકા જીએસટી આવશે તેવા સેન્ટિમેન્ટ પાછળ સોના-ચાંદીના આયાતકારો દ્વારા મોટા પ્રમાણમાં સોના-ચાંદીની મે મહિનામાં આયાત કરાઇ હતી.

જાણકારોના જણાવ્યા પ્રમાણે સ્થાનિક બજારમાં સોનાની જ્વેલરીની માગ નબળી છે અને તેથી જ આયાતકારો દ્વારા માગ જળવાઇ રહે તે માટે જૂનમાં સોનાની કિંમત પર બેથી ત્રણ ડોલરનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.

ક્રેડિટ સૂઇસના જણાવ્યા પ્રમાણે સોનાની આયાતમાં ઘટાડો એ એક ચિંતાનો વિષય છે. મે મહિનો સળંગ એવો ચોથો મહિનો હતો કે જેમાં સોનાની આયાત મજબૂત જોવાઇ હતી. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસીએશનના જણાવ્યા પ્રમાણે જીએસટી આવે તે પૂર્વે સોનાની જ્વેલરી ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. હોલસેલર અને સેમી હોલસેલર જીએસટીના કારણે સ્ટોક હળવો કરવાનું પસંદ કરી રહ્યા છે. અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે જીએસટીના કારણે જ્વેલર્સ જૂના સ્ટોકનું વેચાણ થઇ જાય તેવું ઇચ્છી રહ્યા છે અને તેના કારણે ડિસ્કાઉન્ટ સ્કીમ ઓફર કરી રહ્યા છે.
http://sambhaavnews.com/

You might also like