પૈસાની લેવડદેવડના મામલે ભાગીદારોએ પત્રકારની હત્યા કરીઃ ત્રણ હત્યારા ઝડપાયા

અમદાવાદ: જૂનાગઢમાં તાજેતરમાં થયેલી એક પત્રકારની હત્યાના ચકચારી બનાવ પરથી પોલીસે પડદો ઊચકી અા હત્યાના બનાવમાં સંડોવાયેલા ત્રણ શખસની ધરપકડ કરી હોવાનું અાધારભૂત સાધનો દ્વારા જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે જૂનાગઢના પત્રકાર કિશોર દવે જૂનાગઢ ખાતે વણજારી ચોકમાં દરગાહ પાસે અાવેલા કોમ્પ્લેક્સના ચોથા માળે તેમની ઓફિસમાં ગત સોમવારે રાત્રે બેઠા હતા ત્યારે કોઈ અજાણ્યા શખસો અાવી તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી અા પત્રકારની કરપીણ હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ હત્યારાઓ કોઈપણ પુરાવા છોડ્યા વગર નાસી છૂટ્યા હતા.

બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી જઈ ડોગસ્ક્વોર્ડ અને ફિંગરપ્રિન્ટના નિષ્ણાતોની મદદથી સઘન તપાસ શરૂ કરી હતી પરંતુ કોઈ કડી ન મળતાં પોલીસ માટે અા ઘટના પડકારરૂપ બની હતી. પોલીસ વડાએ જુદી જુદી ટીમો બનાવી ઝીણવટભરી તપાસ કરતા પોલીસને કેટલીક મહત્વની કડીઓ પ્રાપ્ત થઈ હતી. જેના અાધારે જૂનાગઢ પાસે અાવેલા ચોબાલી ગામે રહેતા રફીક ગામેતી, ફિરોઝ અાલા અને મોરબી ખાતે રહેતા એક શખસની ધરપકડ કરી ઊલટતપાસ કરતાં તેમને કિશોર દવેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પત્રકાર કિશોર દવે, રફીક, ફિરોઝ અને મોરબીનો શખસ છેલ્લા કેટલાક વખતથી ટ્રાન્સપોર્ટ અને ટ્રાવેલ્સનો બિઝનેસ ભાગીદારીમાં કરતાં હતા, પરંતુ પૈસાની લેવડદેવડના મામલે ચારે ભાગીદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો અને અાજ મામલે કિશોર દવેની હત્યા થયું હોવાનું બહાર અાવ્યું હતું. પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like