અસાંજેને મુક્ત કરવા અને વળતર ચૂકવવા યુએનનો આદેશ

જીનિવા/લંડન: સંયુક્ત રાષ્ટ્રની એક સંસ્થાએ એક ચુકાદો સંભળાવતા જણાવ્યું હતું કે વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાંજેને છોડી મૂકવા જોઈએ. આ ઉપરાંત છેલ્લાં પાંચ વર્ષથી અસાંજેને ‘મનસ્વી રીતે અટકમાં રાખવા બદલ’ તેમને વળતર ચૂકવવા પણ બ્રિટન અને સ્વિડનને જણાવ્યું હતું.જોકે આ ચુકાદાને બંન્ને દેશોએ ફગાવી દીધો હતો. બાદમાં અસાંજેએ તેનો અમલ કરવા અને પોતાને ઈક્વાડોર દૂતાવાસમાંથી મુક્ત રીતે જવા દેવા માટે બ્રિટન અને સ્વિડનને અનુરોધ કર્યો હતો.

મનસ્વી અટકાયત સંબંધિત સંયુક્ત રાષ્ટ્રના એક કાર્યકારી જૂથની નિષ્ણાતોની સમિતિના હાલના અધ્યક્ષ સિયોંગ-ફિલ હોંગે જણાવ્યું હતું કે તેમનું માનવું છે કે જુલિયન અસાંજેને જે અલગ અલગ રીતે આઝાદીથી વંચિત રાખવામાં આવ્યા છે તે મનસ્વી અટકાયત સમાન છે.  હોંગે જણાવ્યું કે કાર્યજૂથનું એવું પણ માનવું છે કે અસાંજેની મનસ્વી અટકાયતનો અંત આવવો જોઈએ, તેમની શારીરિક ગરિમા અને અવરજવરની સ્વતંત્રતાનું સન્માન કરવું જોઈએ અને તેમને વળતર મેળવવા માટે હકદાર બનાવવા જોઈએ.

જોકે, બ્રિટન અને સ્વિડન બંન્નેએ આ ચુકાદાને ફગાવી દેતાં જણાવ્યું હતું કે તેનાથી કશું બદલાવાનું નથી. ઉલ્લેખનીય છે કે આ કાર્યજૂથના ચુકાદાનું પાલન કરવું ફરજિયાત નથી. બ્રિટનના એક અધિકારીેએ નિવેદનમાં જણાવ્યું હતું કે તે જીનિવામાં સંયુક્ત રાષ્ટ્રના કાર્યકારી જૂથે રજૂ કરેલા તારણને સત્તાવાર રીતે પડકારશે. તેમાં જણાવાયું હતું કે અસાંજેની પરિસ્થિતિને લઈને બ્રિટન ભારે હતાશ છે. સંયુક્ત રાષ્ટ્રના કાર્યકારી જૂથના અભિપ્રાયમાં હકીકતોની અને બ્રિટીશ કાનૂની વ્યવસ્થાના ખૂબ માન્યતા પ્રાપ્ત સુરક્ષાની અવગણના કરવામાં આવી છે.

દરમ્યાન, દૂતાવાસથી એક વીડિયો સંદેશામાં અસાંજેને એવું કહેતા બતાવવામાં આવ્યા હતા કે હવે આ ચુકાદાનું સમગ્રતયા પાલન કરવાની બ્રિટન અને સ્વિડનની જવાબદારી છે. તેમણે કહ્યું કે તેઓ માને છે કે આ કેસનો ચુકાદો એ વાતનો સ્પષ્ટ સંકેત આપે છે કે સંયુક્ત રાષ્ટ્રનું કાર્યકારી જૂથ અટકાયતના કાયદાને સમજવામાં નિષ્ણાત સંસ્થા છે. તેનો ચુકાદો આખરી છે અને તેની સામે અપીલ થઈ શકે નહીં. તે બ્રિટન અને સ્વિડન દ્વારા કરવામાં આવેલી કાનૂની દલીલો માટેના રસ્તાનો અંત છે.

અત્યંત ભાવુક બની ગયેલા અસાંજેએ ચુકાદા બદલ યુએનની પેનલનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે તેમને તેમના પરિવારની ખોટ સાલે છે અને આ ચુકાદાએ તેમના ચહેરા પર સ્મિત લાવી દીધું છે.

You might also like