બ્રિટનમાં અસાંજેની ‘અટકાયતને ગેરકાયદેસર’ ગણાવતું યુએન

લંડન: બ્રિટને આજે જણાવ્યું હતું કે વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાંજે અત્રે ઈક્વાડોરના દૂતાવાસમાંથી બહાર નીકળશે તો તેમને ધરપકડ અને દેશનિકાલનો સામનો કરવો પડશે. અમુક અહેવાલોમાં દાવો કરાયો હતો કે સંયુક્ત રાષ્ટ્રની પેનલે બ્રિટનમાં તેમની ‘અટકાયતને ગેરકાયદેસર’ ગણાવી હતી.

સંયુક્ત રાષ્ટ્રના કાર્યકારી જૂથ દ્વારા આ મામલે આવતીકાલે ચુકાદો આવવાની શક્યતા છે. પરંતુ બ્રિટીશ મીડિયાના અઙેવાલોમાં આજે જણાવાયું હતુ કે ચુકાદો અસાંજેની તરફેણમાં જશે. બ્રિટન જાતીય સતામણીના એક કેસમાં અસાંજેની ધરપકડ કરીને તેમને સ્વીડનને સોંપવા માગે છે. અસાંજેને ૨૦૧૨માં લંડનમાં આવેલા ઈક્વાડોરના દૂતાવાસમાં આશ્રય અપાયો હતો અને હાલ તે ત્યાં છે.

વિદેશ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અસાંજેને બ્રિટન દ્વારા મનસ્વી રીતે અટકમાં રાખવામાં આવ્યા નથી. હકીકતે તો કાયદેસર ધરપકડને ટાળવા માટે તેમણે ઈક્વાડોરના દૂતાવાસમાં રહેવાનું પસંદ કર્યું છે. તેમના પર બળાત્કારનો આરોપ હજુ પણ ઊભો છે અને યુરોપ દ્વારા ધરપકડ વોરંટ પણ અમલમાં છે. તેથી અસાંજેને સ્વીડન દેશનિકાલ કરવાની બ્રિટનની હજુ પણ કાનૂની જવાબદારી છે.

દરમ્યાન,અત્યંત ગુપ્ત માહિતીને જાહેર કરીને સનસનાટી મચાવનારી સંસ્થા વિકિલિક્સના સ્થાપક જુલિયન અસાંજેએ જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રની પેનલ એવો ચુકાદો સંભળાવે કે તેમને મનસ્વી રીતે અટકમાં નથી લેવામાં આવ્યા તો તેઓ પોતે આવતીકાલે બ્રિટનની પોલીસના શરણે જશે. અસાંજેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર આવતીકાલે જાહેરાત કરે કે હું બ્રિટન અને સ્વિડન સામેનો કેસ હારી ગયો છું તો હું બ્રિટીશ પોલીસ દ્વારા ધરપકડ વ્હોરીને આવતીકાલે દૂતાવાસની બહાર જઈશ કારણ કે આગળ અપીલની કોઈ સાર્થક શક્યતા નથી.

અસાંજેએ કહ્યું કે જો તેઓ જીતી જશે અને બંન્ને પક્ષોને ગેરકાયદેસર રીતે પગલું લેવાના દોષી જાહેર કરવામાં આવશે તો હું આશા રાખું છું કે મારો પાસપોર્ટ તત્કાળ પાછો આપવામાં આવશે અને મારી ધરપકડ કરવાના આગામી પ્રયાસો રોકવામાં આવશે. અસાંજે છેલ્લાં ત્રણ વર્ષથી ઈક્વાડોરના દૂતાવાસમાં આશ્રય હેઠળ છે. તેમને એવો ડર છે કે તેમની ધરપકડ કરાયા બાદ પાછળથી તેમને અમેરિકાને સોંપી દેવામાં આવે તેવી શક્યતા છે જેથી ઘણાં ગુપ્ત લશ્કરી અને રાજકીય દસ્તાવેજો લીક કરવાના સંબંધમાં તેમની સામે કેસ ચલાવી શકાય.

અસાંજેએ સપ્ટેમ્બર,૨૦૧૪માં સ્વીડન અને બ્રિટન સામે યુએન ગ્રૂપ ઓન આર્બિટ્રરી ડિટેન્શન સમક્ષ ફરિયાદ નોંધાવીને દાવો કર્યો હતો કે તેમનું દૂતાવાસમાં રહેવું એ તેમને ગેરકાયદેસર રીતે અટકમાં રાખવા બરાબર છે.

You might also like