ગૂજ્જુ ફિલ્મમાં ડેબ્યૂ કરશે ગુજરાતી વહુ જુહી ચાવલા

પ્રિયંકા ચોપરાની મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’ને ગુજરાતી ટ્વિસ્ટ આપવા માટે એક્ટ્રસ જૂહી ચાવલા અને એક્ટર જેકી શ્રોફ તૈયાર છે. વર્ષની શરૂઆતમાં જેકી શ્રોફ ફિલ્મનો ગુજરાતી વર્ઝનનો હિસ્સો બન્યો હતો. જ્યારે વાસ્તવિક જીવનમાં ગુજરાતની વહુ જુહી ચાવલા પણ જેકી સાથે નજરે પડશે.

આ ફિલ્મ સાથે જુહી ગુજરાતી ફિલ્મોમાં તેનો ડેબ્યૂ કરશે. એક ન્યૂઝપેપર સાથેની વાતચીતમાં તેણે કહ્યુ કે, ”જગ્ગુ દાદા (જેકી શ્રોફ) સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. તે ખૂબ જ કૂલ કો-સ્ટાર્સમાંથી એક છે. જેકી એક એવી વ્યક્તિ છે, જે સૌનો મિત્ર છે.”

જુહીએ ખુલાસો કરતા કહ્યું છે કે, જેકીએ જ તેને કહ્યું હતું કે ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ તેના રોલ પર વિચાર કરી રહ્યા છે. ફિલ્મમાં જુહી ડો. શ્રોફનું પાત્ર ભજવશે. મરાઠી વર્ઝનમાં આ રોલ બોમન ઈરાનીએ કર્યો છે.

જુહી આ ફિલ્મનો ભાગ બનીને ખૂબ જ ખુશ છે કેમકે તેને હંમેશાથી કહેવું છે કે દરેક ભારતીય ભાષાની ફિલ્મમાં કામ કરવાનું તેનું સપનું હતું. આ પહેલાં તે કન્નડ, તેલુગુ, તામિલ, મલયાલમ, બંગાળી અને પંજાબી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.

You might also like