KKR ટીમને IPL-11 સિઝનમાં મળશે નવો સુકાની….

બેંગલુરુઃ આઇપીએલ ટ્રોફી જીતવા માટે બધી ટીમોએ પોતપોતાના હિસાબથી દમદાર ખેલાડીઓ ખરીદી લીધા છે. અભિનેતા શાહરુખ ખાન અને અભિનેત્રી જૂહી ચાવલાની માલિકીવાળી ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) ફ્રેંચાઇઝી ક્રિકેટ નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

હરાજી પ્રક્રિયામાં કેકેઆર તરફથી બોલી લગાવવા માટે હાજર રહેલી જૂહી ચાવલાએ ૮૦ કરોડ રૂપિયા ખર્ચી નાખીને ૧૯ ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યા. નિષ્ણાતો વચ્ચે ચર્ચા એ વાતની થઈ રહી છે કે ૧૯ ખેલાડીઓમાંથી કેકેઆરમાં કોઈ એવો મોટો ચહેરો નથી, જેને કેપ્ટન તરીકે પસંદ કરી શકાય. જોકે નિષ્ણાતો એવું પણ કહે છે કે ઘણી વાર નવો કેપ્ટન પણ ટીમને ટોચ પર પહોંચાડી દેતો હોય છે.

કેકેઆરમાં કેપ્ટન તરીકે દિનેશ કાર્તિકને સૌથી મોટો દાવેદાર માનવામાં આવી રહ્યો છે. આ ફ્રેંચાઇઝીએ વિકેટકીપર-બેટ્સમેન કાર્તિકને ૭.૪ કરોજ રૂપિયા ખર્ચીને ખરીદ્યો છે. કાર્તિક વર્ષ ૨૦૦૮થી સતત અલગ અલગ ટીમો તરફથી આઇપીએલમાં રમી રહ્યો છે, પરંતુ તેણે ક્યારેય સતત સારું પ્રદર્શન કર્યું નથી.

કાર્તિક આઇપીએલમાં કુલ ૧૫૨ મેચ રમી ચૂક્યો છે, જેમાં તેણે ૨૪ની સરેરાશથી ૨૯૦૩ રન બનાવ્યા છે. તેનો સ્ટ્રાઇક રેટ પણ લગભગ ૧૨૫ છે. આ ઉપરાંત આઇપીએલમાં લાંબા સમયથી રમી રહેલા રોબિન ઉથપ્પાને પણ કેપ્ટનપદનો દાવેદાર માનવામાં આવી રહ્યો છે.

૨૦૧૨ અને ૨૦૧૪માં આઇપીએલનો ખિતાબ કેકેઆરને અપાવનારા કેપ્ટન ગૌતમ ગંભીરને આ વખતે કેકેઆરે ખરીદ્યો નહીં અને ગૌતમને દિલ્હીની ટીમે ફક્ત ૨.૮૦ કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં સામેલ કરી લીધો. કેકેઆરે ગૌતમ માટે રાઇટ ટુ મેચ કાર્ડનો પણ ઉપયોગ કર્યો નહીં.

હવે કેકેઆરના સીઈઓ વેન્કી મૈસૂરે કહ્યું, ”ગૌતમ ખુદ કેકેઆરથી અલગ થવા ઇચ્છતો હતો તેથી તેને કેકેઆરમાં સામેલ કરાયો નહીં. ગૌતમ અમારા પ્લાનનો હિસ્સો હતો, પરંતુ તેણે ખુદે અનુરોધ કર્યો કે તેને આરટીએમ દ્વારા પણ ખરીદવામાં ના આવે.”

You might also like