જુહાપુરામાં જમીન પચાવી પાડવાની ફરિયાદ નિવૃત્ત PI કોર્ટને પણ ગાંઠતા નથીઃ ACPને તપાસ સોંપાઈ

અમદાવાદ: જુહાપુરામાં જમીનનો પ્લોટ પચાવી પાડી બાંધકામ શરૂ કરવા અંગે નિવૃત્ત પીઆઇ અહેમદ કુરેશી તથા તેના પુત્ર વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ થતાં કોર્ટે યથાવત સ્થિતિ જાળવવા આદેશ કર્યો હતો. જોકે કોર્ટ કમિશનની મુલાકાત સમયે પણ બાંધકામ ચાલુ હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેના પગલે ઝોન ૭ના ડીસીપીએ એસપીને તપાસ સોંપી છે.
આ અંગે થયેલી ફરિયાદ મુજબ કેનેડા સ્થાયી થયેલા મોમીન પરિવારનો જુહાપુરા અહેસાન પાર્ક સોસાયટીમાં ખુલ્લો પ્લોટ આવેલો છે. થોડા દિવસ પહેલાં એક સામાજિક કામ માટે મોમીન પરિવારના સઇદાબાનુ અમદાવાદ આવ્યાં હતાં ત્યારે તેમને ખબર પડી હતી કે અહેમદ કુરેશીએ તેમની જમીન ઉપર કબજો જમાવી લીધો છે. આ મુદ્દે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી, પરંતુ કોઇ પણ કાર્યવાહી ન થતાં સઇદાબાનુએ મીરજાપુર કોર્ટમાં નિવૃત્ત પીઆઇ તથા તેના પુત્ર વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી જેમાં કોર્ટે બાંધકામને યથાવત ‌પરિસ્થિતિમાં રાખવા આદેશ આપ્યો હતો. કુરેશીને પણ નોટિસ ઇશ્ય્ૂ કરીને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

કોર્ટના આદેશ બાદ કોર્ટના કમિશનના અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી ત્યારે પણ બાંધકામ ચાલુ હોવાનું જણાયું હતું. આ મુદ્દે ઝોન ૭ના ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે નિવૃત્ત પીઆઇ કેનેડિયન ફેમિલીની જમીન પચાવી પાડવાની ફરિયાદ છે. તે મુદ્દે એમ ડિવિઝનના એસીપી જે. ડી. જાડેજાને તપાસ કરવા જણાવ્યું છે. નિવૃત્ત પીઆઇ વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ કુરેશીએ જુહાપુરાની અહેસાન પાર્ક સોસાયટીના જમીનના વિવાદમાં એક વ્યકિત પર ફાયરિંગ કર્યું હતું. આ ગુનામાં કુરેશી અને તેના પુત્રની ધરપકડ કરાઇ હતી. આ કેસમાં પિતા પુત્ર હાલ જામીન પર મુક્ત છે.

You might also like