4 જજના આક્ષેપ બાદ જજ લોયાના મૃત્યુનો કેસ સુપ્રીમની કોઇ બીજી બેંચને સોંપાઈ શકે છે

નવી દિલ્હી, બુધવાર
સુપ્રીમ કોર્ટના ચાર સિનિયર જજ દ્વારા ભારતના ચીફ જસ્ટિસ (સીજેઆઇ) દીપક મિશ્રા વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો બાદ જારી વિવાદ વચ્ચે હવે જજ બી.એચ. લોયાના શંકાસ્પદ અને રહસ્યમય મોતના મામલામાં તપાસની દાદ માગતી અરજીના કેસની સુનાવણી હવે સુપ્રીમ કોર્ટની બીજી બેંચને સોંપાઇ શકે છે એવો નિર્દેશ આ કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ અરુણ મિશ્રાએ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટની વેેબસાઇટ પર જારી કરેલા આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જસ્ટિસ લોયાના મૃત્યુ સાથે સંકળાયેલ કેસની સુનાવણી હવે યોગ્ય બેંચ સમક્ષ હાથ ધરાવી જોઇએ. માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું હવે એક નવી બેંચ રચવામાં આવશે જે આ કેસની સુુનાવણી કરશે.

જસ્ટિસ મિશ્રા અને જસ્ટિસ મોહન એમ.શાંતનાગૌદારની બેંચે મંગળવારે આ કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે તમામ દસ્તાવેજ આગામી સાત દિવસની અંદર ઓન રેકોર્ડ રાખવામાં આવે અને જો આ દસ્તાવેજો યોગ્ય જણાય તો તેની નકલ અરજદારોને પણ ઉપલબ્ધ કરવામાં આવે. તેને યોગ્ય બેંચ સમક્ષ પણ રજૂ કરવામાં આવે. જજોના આ નિવેદન પરથી એવું માનવામાં આવે છે કે હવે આ કેસ અન્ય કોઇ બેંચને સોંપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠતમ જજ દ્વારા પ્રેસ કોન્ફરન્સ બાદ બેંચના આ આદેશ અંગે આશંકા વ્યકત કરવામાં આવી રહી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ચાર જજે પોતે વિદ્રોહી બનવા પાછળનું કારણ સીજેઆઇએ જજ લોયાના મોતની તપાસ માટે દાદ માગતી પીઆઇએલ અરુણ મિશ્રાને સોંપવાના નિર્ણય સંબંધિત હોવાનું જણાવ્યું હતું.

સુપ્રીમને ગોપનીય રિપોર્ટ સુપરત
દરમિયાન સુપ્રીમ કોર્ટના ખંડ નં.૧૦માં સીબીઆઇના સ્પેશિયલ જજ રહી ચૂકેલા લોયાના મૃત્યુની તપાસના કેસની સુનાવણી થઇ હતી. આ કેસમાં મહારાષ્ટ્ર સરકાર તરફથી સિનિયર એડ્વોકેટ હરીશ સાલ્વેએ એક સીલબંધ કવર કોર્ટને સોંપ્યું હતું અને જણાવ્યું હતું કે તેમાં આ કેસ સંબંધિત અત્યંત ગોપનીય રિપોર્ટ છે.

You might also like