મુંબઈ ઇન્ડિયન્સે જોન્ટી રોડ્સ સાથે છેડો ફાડ્યો

મુંબઈઃ ત્રણ વાર આઇપીએલનો ખિતાબ પોતાના નામે કરી ચૂકેલી મુંબઈ ઇન્ડિયન્સે ફિલ્ડિંગ કોચ જોન્ટી રોડ્સ સાથે છેડ્યો ફાડ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સે જોન્ટીના સ્થાને આગામી ૨૦૧૮ની આઇપીએલ માટે ન્યૂઝીલેન્ડના જેમ્સ પેમ્મેન્ટ સાથે કરાર કર્યો છે.

ફ્રેન્ચાઇઝી દ્વારા જણાવવામાં આવ્યું છે કે રોડ્સ પોતાના વ્યવસાય માટે વધુ સમય આપવા ઇચ્છે છે. ટીમના માલિક આકાશ અંબાણીએ રોડ્સની પ્રશંસા કરતાં કહ્યું કે, ”ટીમની સફળતામાં તેનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું. મુંબઈ ઇન્ડિયન્સે આઇપીએલની ૧૦મી સિઝનનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. રોડ્સ મુંબઈ ઇન્ડિયાનો મજબૂત સ્તંભ રહ્યો છે. તેના યોગદાનને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં.

અમે તેના નિર્ણયનું સન્માન કરીએ છીએ અને તેના ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ. તે હંમેશાં મુંબઈ ઇન્ડિયન્સના પરિવારનો હિસ્સો રહેશે.” મુંબઈ ઇન્ડિયન્સ તરફથી વધુમાં જણાવવામાં આવ્યું હતું કે અમે ન્યૂઝીલેન્ડના જેમ્સનું ટીમમાં સ્વાગત કરીએ છીએ. તેની પાસે આંતરરાષ્ટ્રીય સ્તરનો અનુભવ છે.

You might also like