જોન્ટી કાશ્મીરમાં પર્યટનને પ્રોત્સાહન આપી રહ્યો છે

શ્રીનગરઃ ક્રિકેટના મેદાન પર પોતાની અદ્ભુત ફિલ્ડિંગ માટે મશહૂર દક્ષિણ આફ્રિકાનાે ભૂતપૂર્વ વિસ્ફોટક બેટ્સમેન જોન્ટી રોડ્સ કાશ્મીરની સુંદરતા જોઈને કાશ્મીરનો દીવાનો થઈ ગયો છે. તેણે હવે રાજ્ય પર્યટન વિભાગના પ્રમોશનલ વીડિયોમાં લોકોને ધરતી પરનું સ્વર્ગ કહેવાતી અતુલ્ય ઘાટીમાં પ્રવાસીઓને પર્યટન માટે આવવા અને દિલને સ્પર્શી જનારી સ્થાનિક મહેમાનગતિ માણવા અપીલ કરી છે.

ગુલમર્ગની બરફથી ઢંકાયેલી વાદીઓમાં તૈયાર કરવામાં આવેલા ૭૨ સેકન્ડના વીડિયો માટે જોન્ટી રોડ્સે રાજ્યના પર્યટન વિભાગ પાસેથી એક પણ પૈસો લીધો નથી. પર્યટન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર જોન્ટીએ ખુદ જ આ ઓફર કરી હતી. આ વીડિયોમાં તે બરફથી ઢંકાયેલા પર્વતો તરફ ઇશારો કરીને જણાવે છે કે, ”આ મારી ત્રીજી કાશ્મીર યાત્રા છે. આ વખતે હું સૌથી વધુ સમય સુધી રોકાયું છું. મેં અહીં હેલીસ્કીઇંગ કરી અને મારી પાછળ તમને જે પહાડો નજરે પડી રહ્યા છે એના પર હું સ્નોબોર્ડ પણ શીખ્યો.”

પર્યટન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે જોન્ટી રોડ્સ અગાઉ બે વાર કાશ્મીર આવી ચૂક્યો છે. ગત સપ્તાહે જ્યારે ગુલમર્ગમાં સ્નો રગ્બી ટૂર્નામેન્ટ યોજાઈ ત્યારે તેને જોવા માટે જોન્ટી આવ્યો હતો. અમે તેને અહીંના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે સહયોગ માટે કહ્યું તો તે એક પણ પૈસો લીધા વિના રાજી થઈ ગયો હતો.
http://sambhaavnews.com/

You might also like